ભારતીય સંસ્કૃતિના ભુક્કા બોલાવી રહેલું ટી.વી.નું ચંગીઝખાની આક્રમણ
ટેલિવિઝનનું નામ ઇડિઅટ બોક્સ કોણે પાડ્યું એ તો કોણ જાણે, પણ તવારીખી નોંધ મુજબ એ હુલામણા નામનો સિક્કો ૧૯૬૦ના અરસામાં જામ્યો હતો. આજે સાડા ચાર દાયકે ઇડિઅટ બોક્સ શબ્દના રચયિતાની દૂરંદેશીને દાદ આપવાનું મન થાય એવો ઘાટ સર્જાયો છે. સેટેલાઇટ ચેનલોના જમેલામાં ઢંગધડા વિનાની સિરિઅલોનો શિસ્તહિન ટ્રાફિક બેફામ વહી રહ્યો છે. ડિસ્કવરી તેમજ નેશનલ જ્યોગ્રોફિક જેવી જ્ઞાનવર્ધક ચેનલોને તેમાં અપવાદ ગણો તોય બીજી એક સમસ્યા એ છે કે એવી ચેનલો પર કાર્યક્રમના મધ્યે કમર્શિયલ બ્રેકમાં કેટલીક જાહેરાતો એવી હોય છે કે જે સંસ્કારી વ્યક્તિને સપરિવાર જોવામાં બેશક ક્ષોભ નડે. ટેલિવિઝન બાળકોના દિમાગમાં થતી વિકાસપ્રક્રિયાને કેટલી હદે ધીમી પાડી દે છે અને તેના કારણે સરવાળે તેમનું મગજ ફળદ્રુપ કેમ બની શકતું નથી તેનો યુનોએ પ્રસિદ્ધ કરેલો સાયન્ટિફિક રિસર્ચ રિપોર્ટ વાંચવા જેવો છે. ઇડિઅટ બોક્સ સામે કલાકો સુધી ખોડાઇને બેસી રહેવું અને તેના પડદે જે કંઇ રજૂ થાય તેને નિસ્પૃહ બની જોતા બેસી રહેવું વ્યક્તિગત રીતે મને ગમતું નથી. પરિણામે ટેલિવિઝનની જે તે ચેનલોમાં શી નવાજૂની બને છે તેની લગીરે જાણ હોતી નથી. એક વિચિત્ર નવાજૂની વિશે જો કે થોડા દિવસ...