ઝીરો પરસેન્ટ ફાઇનાન્સના ‘ઝીરો’નું સસ્પેન્સ
આજથી વીસેક વર્ષ પહેલાં ભારતનું ડચકાં ખાતું અર્થતંત્ર ઉદાર આર્થિક નીતિના પાટે ચડીને દોડતું થયું એ પહેલાં દેશની પ્રજા પાવરસેવિંગમાં માનતી હતી. કમાણીનો પચાસ ટકા કરતાંય વધુ હિસ્સો લોકો બચતમાં રોકી દેતા હતા. ખિસ્સાખર્ચી માટે તેમનો જીવ કરકસરિયો હતો, એટલે શોપિંગનો તેમજ ઊંચી લાઇફસ્ટાઇલનો ચસ્કો તેમને ખાસ નહોતો. આજે સમીકરણો બદલાયાં છે. બચતનું પ્રમાણ અગાઉની તુલનાએ ઘટ્યું છે. આનું મુખ્ય કારણ એ કે દેશની પ્રજાને શોપિંગ ફિવર લાગૂ પડ્યો છે અને તે ફિવરમાં રોજેરોજ વધુને વધુ લોકો સપડાતા જાય છે. ખૂલ્લા મને તેઓ ખરીદી કરતા થયા છે. ગઇ કાલ સુધી ‘ભોગવિલાસ’માં જે ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો તે પૈકી અનેકને આજે ‘જરૂરિયાત’નું લેબલ લાગી ચૂક્યું છે. અમેરિકાની જેમ ભારતનુંય અર્થતંત્ર ક્રમશઃ consumer driven બની રહ્યું છે, જ્યાં રોટલી શેકવાની તાવડીથી માંડીને ટેલિવિઝન સુધીની consumer products/જીવનજરૂરિયાતની રોજિંદી ચીજવસ્તુઓ અર્થતંત્રનાં ચક્રોને ગતિમાન રાખવામાં બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. દેશના લોકો શોપિંગ કરે (અને તે બહાને નાણાં ખર્ચે) તે અર્થતંત્રના હિતમાં છે. ઉત્પાદક, વેચાણકાર અને ફાઇનાન્સ કંપનીઓ એમ ત્રણેયનું પણ હિત ...