સંપાદકનો પત્ર
'સફારી'--મે, ૨૦૦૯ રૂપિયા દસ હજાર કરોડની મોંઘીદાટ ચૂંટણી, જે લોકશાહીના નામે સસ્તી મજાક છે! ભારતીય લોકતંત્રને મજબૂત અને સુદ્રઢ બનાવવાના આશયે દેશના એક જવાબદાર નાગરિક તરીકે વૉટિંગ કરવામાં કર્તવ્ય નિભાવ્યાનો સંતોષ માની રહ્યા હો તો આગામી ફકરાથી શરૂ થતી ચર્ચા અચૂક વાંચો. ચર્ચામાં માયૂસીનો સૂર અનુભવો એ બનવાજોગ છે. પરંતુ ખરૂં પૂછો તો એ માયૂસી દેશના ૭૧ કરોડ મતદારોની ટ્રૅજડિ છે. લોકશાહીની તવારીખમાં સૌથી મોંઘી ચૂંટણીનો રેકૉર્ડ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીએ સ્થાપ્યો છે, પરંતુ ખર્ચનો જંગી આંકડો જાણતા પહેલાં કેટલાક સુપરલેટિવ આંકડા વાંચો. આ વખતે લોકસભાની ચૂંટણી દેશભરનાં કુલ ૮,૦૦,૦૦૦ મતદાન મથકો પર યોજવામાં આવી. બધાં પોલિંગ બૂથ પર ‘કાયદો અને વ્યવસ્થા’ જળવાય એ માટે લગભગ ૨૧,૦૦,૦૦૦ સુરક્ષા કર્મચારીઓને તૈનાત રાખવામાં આવ્યા. મતદાન પહેલાંનાં, મતદાન વખતનાં અને મતદાન પછીનાં ચૂંટણીલક્ષી કાર્યો માટે કુલ ૪૦,૦૦,૦૦૦ સરકારી કર્મચારીઓનો સ્ટાફ કામે લગાડવામાં આવ્યો. લોકસભાની ચૂંટણી પાછળ કરવામાં આવેલો કુલ ખર્ચ--અંદાજે ૧૦,૦૦૦ કરોડ! દેશના પ્રત્યેક મતદારે મતદાનનો વિશિષ્ટાધિકાર ભોગવવા માટે રૂ.૧૪૦નો ખર્ચ ભોગવવાનો થયો. કરદાત...