પાકિસ્તાનની ઉધાર આર્થિક નીતિ--એક પગ (અમેરિકી) દૂધમાં અને બીજો (યુરોપી) દહીંમાં
આ વર્ષે ભારતીય ઉપખંડમાં મેઘરાજા રીસાયા. ભારતની જેમ પાકિસ્તાનમાંય મોસમી વાદળોએ દગો દીધો. આમ છતાં એ દેશમાં બારેય મેઘ ખાંગા થયાવળી એક નહિ, બબ્બે વાર થયા. પાકિસ્તાનના ટૂંટિયું વાળીને બેઠેલા અર્થતંત્રને ફરી બેઠું કરવા જૂન ૧૪, ૨૦૦૯ના રોજ યુરોપિયન યુનિયને એ દેશ પર ૧૦ કરોડ ડોલર વરસાવ્યા, તો નાણાંવર્ષાની બીજી (વધુ મોટી) હેલી ૨૩ મી જૂને થઇ કે જ્યારે અમેરિકાએ બિનલશ્કરી સહાયના નામે પાકિસ્તાને સાડા સાત અબજ ડોલર આપવાનું ઠરાવ્યું. મોસમ વરસાદી હોય કે ન હોય, પણ પાકિસ્તાન પર આવાં ‘ઝાપટાં’ વખતોવખત પડતા રહે છે અને બારમાસી મંદીવાળા પાક અર્થતંત્રને એ રીતે થોડોઘણો સધિયારો મળ્યા કરે છે. અત્યાર સુધી અમેરિકા પાકિસ્તાનને વાર્ષિક અબજો ડોલરની ખૈરાત આપતું હતું. હવે યુરોપિયન યુનિયનના ૨૭ દેશો પણ અમેરિકાની જેમ દરિયાદિલ બન્યા છે. પાકિસ્તાનને તેઓ શા માટે બબ્બે હાથે આર્થિક સહાય આપી રહ્યા છે? જવાબનું મૂળ વિગતે તપાસવા જેવું છે. પાકિસ્તાનને બિનલશ્કરી તેમજ લશ્કરી સહાય આપવાનો ધારો આજથી ત્રણેક દાયકા પહેલાં અમેરિકાએ શરૂ કર્યો હતો. અફઘાનિસ્તાનમાં ત્યારે રશિયાએ પોતાની લશ્કરી છાવણીઓ સ્થાપી રાખી હતી અને એ દેશનો કેટલોક ભૌગોલિક પ્રદે...