ધારો કે આવતી કાલે ભારત-ચીન વચ્ચે યુદ્ધ સળગ્યું...
લદ્દાખનો લશ્કરી તણાવ યુદ્ધનો તણખો બનવાની સંભાવના પાંખી છે, છતાં ચીન આપણને ધરાર યુદ્ધમાં ઘસડે તો? મહામારીના અને મહામંદીના સંજોગોમાં યુદ્ધ ખેલી આર્થિક ભારણ વધારવું ભારતને પોસાય તેમ નથી. બીજી તરફ લદ્દાખમાં ચીની કાંકરીચાળાનો જવાબ ઇંટથી આપવો હોય તો આપણે કેટલા સક્ષમ છીએ? આલેખનઃ હર્ષલ પુષ્કર્ણા બોલો, શું લાગે છે? લદ્દાખમાં તૈનાત આપણા લશ્કર માટે છેલ્લા એકાદ મહિનાથી માથાનો દુખાવો બનેલા ચીનને પાંસરું દોર કરી દેવા એકાદ સશસ્ત્ર યુદ્ધ ખેલી નાખવું જોઈએ? દાંત ભીડીને તથા મુઠ્ઠી પછાડીને જવાબ ‘હા’માં આપવાનું મન થાય તેવો લોભામણો સવાલ છે. આપણા લદ્દાખમાં ચીન ખુલ્લેઆમ લશ્કરી છાવણીઓ સ્થાપે, રડારમથકો ઊભાં કરે, પાકી સડકો બનાવે, શસ્ત્રોની જમાવટ કરે અને ચીની સૈનિકો પેટ્રોલિંગના નામે લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી, ગલવાન, પેંગોંગ સરોવર, દેમચોક જેવાં ભારતીય ક્ષેત્રોમાં ઘૂસી આવે ત્યારે ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ એવો વિચાર દેશના સરેરાશ નાગરિકના મનમાં આવવો સ્વાભાવિક છે. પરંતુ એકવીસમી સદીમાં ‘બાણ’ અને ‘યુદ્ધ’ બન્નેની વ્યાખ્યા ધરમૂળથી બદલાઈ ચૂકી છે. યુદ્ધ કરીને દેશનું કલ્યાણ તો જાણે થવાથી રહ્ય...