પારકી ભૂમિ પર પગદંડો જમાવતા ચીનનું આપખુદ વલણઃ હમ સબ કા ખાવે, હમારા ખાવે વો મર જાવે!
તાજેતરમાં ચીને દક્ષિણ ચીની સમુદ્રના દેશો સામે બાંયો કેમ ચડાવી? ચીનની દાવેદારી અને દાદાગીરી શી છે? વીસમી સદીમાં ચીનના સામ્યવાદી શાસક માઓ ઝેદોંગે કહેલું કે દુશ્મનના ભૌગોલિક પ્રદેશ પર કબજો જમાવવા માટે સશસ્ત્ર યુદ્ધ ખેલવું જ પડે એવું જરૂરી નથી. બંદૂકની એકેય ગોળી દાગ્યા વિના અને લોહીનું એકાદ ટીપું પાડ્યા વિના પણ માત્ર બુદ્ધિબળે શત્રુભૂમિ હસ્તગત કરી શકાય છે. આ રીતેઃ સરહદ ઓળંગીને શત્રુની ભૂમિમાં બે ડગલાં પેસારો કરો... દુશ્મન રોકકળ મચાવે તો તેને છાનો રાખવા એક ડગલું પાછળ ખસી જાવ... થોડા દિવસો બાદ ફરી ચુપચાપ બે ડગલાં આગળ વધો અને શત્રુ આંખો લાલ કરે તો એક ડગલું પીછેહઠ કરો. આમને આમ દુશ્મનની ભૂમિમાં આગળ વધતા તેની જમીન ઇંચ ઇંચ લેખે પચાવ્યે રાખો. લાંબે ગાળે ઇંચનો હિસાબ કિલોમીટરમાં ગણવો પડે એવડો મોટો પ્રદેશ એડી નીચે આવી ચૂક્યો હશે. માઓ તો કબરમાં પોઢી ગયા પણ ચીની સત્તાધીશોને ઉપરોક્ત સંદેશો આપી જગત માટે મોકાણ મૂકતા ગયા. માઓની ‘બે ડગલાં આગેકૂચ; એક ડગલું પીછેહઠ’ નીતિને ચીનની સરકારો વર્ષોથી અજમાવતી આવી છે અને પારકા પ્રદેશો પચાવીને દેશના ભૌગોલિક સીમાડા આસ્તે આસ્તે વિસ્તારતી ગઈ છે. એક...