ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૩)
પેરિસ ઓક્ટોબર ૨૧, ૨૦૦૯ નોર્મન્ડી! બીજા વિશ્વયુદ્ધમાં યુરોપિયન મોરચે ખેલાયેલા સૌથી નિર્ણાયક યુદ્ધનું સ્થળ, જ્યાં યુદ્ધની યાદગીરીરૂપે જુદા જુદા છ સાગરકાંઠે કુલ મળીને પપ જેટલાં મ્યુઝિયમો છે, વોર સિમેટરી છે, જર્મનીએ યુદ્ધ વખતે બનાવેલાં અન્ડરગ્રાઉન્ડ બન્કરો છે, વિમાનવિરોધી તોપો છે, મિત્ર દેશોનાં કેટલાંક જહાજો અને ટેન્કો પણ છે અને જોવાલાયક બીજું ઘણું બધું છે. ...પણ ભલું થાય વરસાદનું, કે જેણે આમાંનું કશું જ જોવાનો મોકો અમને આપ્યો નહિ. નોર્મન્ડીનાં જોવાલાયક બહુધા સ્થળો ખુલ્લા વાતાવરણમાં હોવાથી વરસાદમાં ત્યાં ફરવાનું ભારે અગવડભયું સાબિત થાય તેમ હતું. પરિણામે નોર્મન્ડીનો પ્રિ-પ્લાન્ડ પ્રવાસ અમારે રદ કરવો પડ્યો. ઊંટનું મન ઝાંખરામાં અને સુથારનું મન બાવળિયે હોય એ રીતે અમારૂં મન હંમેશાં જ્ઞાનમાં વધારો કરે તેવાં સ્થળોએ કેન્દ્રિત થયેલું રહે. આવું એક સ્થળ સદ્ભાગ્યે પેરિસમાં હતું: Cité des Sciences et de l'Industrie/સીતે દ સ્યોંસ એ દ લેન્દસ્ત્રી/સીટી ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. રાબેતા મુજબ પ્લેસ દ ક્લીશી સ્ટેશનેથી અમે મેટ્રો ટ્રેન પકડી. બે ટ્રેન બદલીને લગભગ અડધોપોણો કલાકે Porte de la Villette/પોર દ લ...