સ્તોક કાંગડી શિખર આરોહણનાં ૪ વર્ષઃ એક સંભારણું, એક સંકલ્પ
જૂન ૨૮, ૨૦૧૬ની એ સવાર ક્યારેય નહિ ભૂલાય કે જ્યારે બરાબર ૮ઃ૧૦ વાગ્યે લદ્દાખની સ્તોક પર્વતમાળાના સૌથી (6,153 મીટર/20,187 ફીટ) ઊંચા શિખરની ઊંચાઈએ પગ મૂક્યો હતો. શિખર સુધી પહોંચવા માટેનાં છેલ્લાં વીસ ડગલાં મારી જિંદગીની સૌથી લાંબી સફર હતી. સખત ઠંડી, પાતળી હવા, ભૂસપાટી કરતાં પચાસ ટકા ઓછો પ્રાણવાયુ, મધરાતે ૧૨ વાગ્યે શરૂ કરેલા સળંગ આઠ કલાકના કષ્ટદાયક ટ્રેકથી થાકી ગયેલું શરીર, પાચનશક્તિ ખોરવાઈ ચૂકી હોવાથી પેટમાં અન્નરૂપી ઇંધણ નહિ, ઓક્સિજન માટે વલખાં મારતાં ફેફસાં અને ડ્રમ બિટ્સની માફક ધડકતું હ્દય! વીસ હજાર ફીટ ઊંચેના વિષમ સંજોગોમાં ઉપરોક્ત સમસ્યાઓ વચ્ચે એક વધારાની તકલીફનો મેં સામનો કર્યો હતો, જેના વિશે ‘આ છે સિઆચેન’ પુસ્તકમાં લખ્યું નથી. આજે પહેલી વાર અહીં વાચકો સાથે શેર કરું છું. સ્તોક કાંગડીના બર્ફીલા શિખરે પહોંચ્યો ત્યાં સુધીમાં મગજ રીતસર બહેર મારી ગયું હતું. હવામાં ઓક્સિજનની કમીને કારણે મગજને મળતા પ્રાણવાયુ યુક્ત લોહીનો પુરવઠો ઘટતાં વિચારોનું અને નજર સામે જોયેલાં દૃશ્યોનું પ્રોસેસિંગ મંથર ગતિએ થતું હતું. મેમરી પાવર ઘટ્યો હતો. સૂઝબૂઝ અને નિર્ણયશક્તિ પર માઠી અસર થઈ હતી. આ બાયોલ...