‘દખ્ખણ કી રાણી’: ૯૦ વર્ષ પૂરાં કરતી ટ્રેનની જાણવા જેવી કહાણી ને માણવા જેવી સફર

જૂન, ૧૯૩૦માં મુંબઈ-પુણે વચ્ચે શરૂ થયેલી ‘ડેક્કન ક્વીન’ ભારતની પ્રથમ સુપરફાસ્ટ લક્ઝુરિઅસ ટ્રેન હતી ભારતીય રેલવેના ૧૬૭ વર્ષ લાંબા ઇતિહાસમાં સીમાચિહ્ન સમો એક પ્રસંગ જૂન ૧, ૨૦૨૦ના રોજ સહેજ પણ ધૂમધડાકા વિના ઊજવાઈ ગયો. પ્રસંગ ‘ડેક્કન ક્વીન’ યાને ‘દખ્ખણ કી રાણી’ નામની ઐતિહાસિક ટ્રેનના ૯૧મા જન્મદિવસનો હતો, જેને ઉમળકાભેર ઊજવવા માટે પૂણે રેલવે સ્ટેશને ગણ્યાગાંઠ્યા લોકો એકઠા થયા, કેક કટિંગ કરીને સૌએ ‘દખ્ખણ કી રાણી’ ટ્રેનને મનોમન શુભેચ્છાઓ આપી અને છેલ્લાં ૬૬ વર્ષથી એ ટ્રેનમાં િનયમિત રીતે પૂણે-મુંબઈની સફર ખેડતાં હર્ષા શાહ નામનાં મહિલા યાત્રી જેવા બીજા ઘણા રેલવેપ્રેમી ઉજવણીના પ્રસંગે ભાવુક બની ‘દખ્ખણ કી રાણી’ જોડે સંકળાયેલી પોતપોતાની ખટમીઠી યાદોના ભૂતકાળમાં સરી પડ્યા. લોકડાઉનને કારણે ટ્રેન તો જાણે મુંબઈના રેલવેના શેડમાં હતી, પરંતુ રખે તે ‘સદેહે’ હાજર હોત તો આગુ સે ચાલી આતી પરંપરા મુજબ તેને હારતોરા થયા હોત, શ્રીફળ વધેરાયું હોત અને કંકુ-ચોખા પણ કરવામાં આવ્યા હોત. આ બધું જરા અજુગતું લાગતું હોય તો જાણી લો કે રેલવે માટે પોતાના હૃદયમાં કૂણો ખૂણો ધરાવતા લોકોનો બહુ મોટો સમુદાય આપણા દેશમાં છે. ઇન...