Posts

Showing posts from July, 2010

૨૭ વર્ષ, પ૨૭ જવાનો અને રૂ.૧,૧૦૦ કરોડના ભોગે બની રહેલી રોહતાંગ ટનલ

ભારતનો એકાદ સારો રોડ એટલાસ હાથમાં લો. જમ્મુ-કાશ્મીર રાજ્યનો નકશો બરાબર તપાસો. જુઓ કે મોટરમાર્ગે લેહ-લદ્દાખ પહોંચવા માટે માત્ર બે રસ્તા છે. એક રસ્તો શ્રીનગરથી સોનમર્ગ, દ્રાસ અને કારગિલ થઇને લેહ જાય છે. બીજો માર્ગ મનાલિથી રોહતાંગ ઘાટ થઇને પરબારો લેહને મળે છે. આ બીજો રસ્તો નકશામાં દેખાય છે એવો સીધોસાદો નથી. ભારે અટપટો છે. હિમવર્ષાને લીધે વર્ષના છએક મહિના વાહનવ્યવહાર માટે તે લગભગ નકામો ઠરે છે. કુલ ૪૨૦ કિલોમીટર લાંબા માર્ગમાં ૨૦૦ ઠેકાણે પર્વતીય ઢોળાવો એવા છે કે જ્યાં ગમે ત્યારે હિમપ્રપાત થાય અને ધસી પડેલા હિમનો ઢગલો રસ્તાને બ્લોક કરી દે. આ કારણસર લેહ-લદ્દાખ અને સિયાચીનમાં સ્થિત ભારતીય લશ્કરને શસ્ત્રોનો અને ખોરાકપાણીનો લગભગ ૮૦% પુરવઠો શ્રીનગર-દ્રાસ-કારગિલના માર્ગે મોકલવામાં આવે છે. નેશનલ હાઇવે-૧ આલ્ફા તરીકે ઓળખાતો એ માર્ગ લેહ-લદ્દાખની ધોરીનસ જેવો છે, જે રખે કપાય તો દ્રાસથી માંડીને લેહ સુધીનું કાશ્મીર બાકીના ભારતથી વિખૂટું પડી જાય. આ હકીકતને નજરમાં રાખી આજથી ૨૭ વર્ષ પહેલાં એક સ્ટ્રેટેજિક પ્રસ્તાવ ભારતની સંરક્ષણ સમિતી સમક્ષ મૂકાયો હતો. પ્રસ્તાવ ભારતના લેહ-લદ્દાખને હિમાચલ પ્રદેશના મનાલિ સાથે જો