ઇલોન મસ્ક જેવા ઘણાખરા સ્વપ્નદૃષ્ટા સાહસિકો અમેરિકામાં જ કેમ પાકે છે?
વિજ્ઞાન-ટેક્નોલોજિના વિકાસ અર્થે અમેરિકાએ અપનાવેલી નીતિનું અનુકરણ કરવા જેવું છે ------------------------------ ઈ.સ. ૨૦૦પનું વર્ષ હતું. અમેરિકાની સ્પેસ એજન્સી NASA/ નાસાએ તે વર્ષે ઘોષણા કરી કે પૃથ્વી અને અંતરિક્ષ વચ્ચે ખેપ કરનારા સ્પેસ શટલ અવકાશયાનને નાસા હંમેશ માટે તિલાંજલિ આપવાનું ગંભીરતાથી વિચારે છે. આ સમાચારે ફક્ત અમેરિકામાં નહિ, અન્ય દેશોમાં પણ ખળભળાટ મચાવી દીધો. સ્પેસ શટલને વિદાય દીધા પછી અમેરિકાનો છેક ૧૯૬૮થી ચાલતો સમાનવ સ્પેસ પ્રોગ્રામ આગળ શી રીતે ધપશે તે અંગે સવાલો ઊઠ્યા. ચિંતાનું વાતાવરણ સર્જાયું. ચિંતા સકારણ હતી. એપ્રિલ ૧૨, ૧૯૮૧ના રોજ સ્પેસ શટલની પહેલી સફળ ફ્લાઇટ યોજાઈ ત્યાર પછી એ અવકાશયાને કુલ ૧૩પ વખત પૃથ્વી- અંતરિક્ષ વચ્ચે આંટાફેરા કર્યા હતા. હબલ જેવા ટેલિસ્કોપથી માંડીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે જરૂરી પુરજા, સામગ્રીઓ તથા અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં પહોંચાડ્યા હતા. આથી સ્પેસ શટલ નિવૃત્તિ લે તેમાં જગતને સમાનવ અવકાશયાત્રાના સાડા ત્રણ દાયકા લાંબા અમેરિકન યુગનું પૂર્ણવિરામ આવતું દેખાયું. બીજી તરફ ઇલોન મસ્ક નામના સ્વપ્નદૃષ્ટા શખ્સના મસ્તિષ્કમાં વિચારો...