ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૫--અને છેલ્લો)

શામોની મો બ્લાં
ઓક્ટોબર ૨૩, ૨૦૦૯
આજે Aiguille Du Midi/એગ્વિલ દયૂ મિદી કેબલ કાર મારફત મો બ્લાંને અત્યંત નિકટથી જોવાનો પ્રોગ્રામ હતો. સવારે ઊઠીને સૌ પહેલાં નજર મો બ્લાં પર્વત પર પડી અને મૂડ જરા બગડ્યો. વાદળોનું ધાડું પ્રોગ્રામમાં અવરોધ બનીને આવી ચડ્યું હતું. આમ છતાં ‘જો હોગા, દેખા જાયેગા’નો અભિગમ અપનાવી અમે કેબલ કારની ટિકિટ ઓફિસે ગયા. કાઉન્ટરે બેઠેલી મહિલાએ સલાહ આપી કે આજે મો બ્લાંની મુલાકાત લેવાનું ટાળો તો સારૂં, કેમ કે ઉપર વાતાવરણ ચોખ્ખું નથી અને વાદળોની ઓથે ઢંકાયેલું મો બ્લાંનું શિખર જોવા ન મળે એ સંભવ છે. ઘડીભર અમે વિચારમાં પડ્યા. રોપ-વેની ટિકિટનો ચાર્જ જેવોતેવો ન હતો. બીજી તરફ શામોનીથી આવતી કાલે પેરિસ જવા નીકળી જવાનું હતું. છેવટે ટિકિટ ખરીદી અને એગ્વિલ દયૂ મિદી કેબલ કારમાં બેઠા. (ફ્રેન્ચ ભાષામાં એગ્વિલ દયૂ મિદી એટલે મધ્યાહન બતાવતો ઘડિયાળનો કાંટો. એગ્વિલ = સોય અથવા કાંટો; દયૂ = ની; મિદી = બપોર). મો બ્લાં પર્વતની પડખે આવેલા ઊંચા પર્વત સુધી પહોંચવા માટેનું લગભગ ૨,૮૦૦ મીટરનું ચઢાણ એગ્વિલ દયૂ મિદી કેબલ કાર અત્યંત તીવ્ર ખૂણે ચઢે છે--અને તે બદલ તેના નામે વિશ્વવિક્રમ બોલે છે.

કેબલ કારમાં સારી એવી સ્પીડમાં પ્રવાસ ખેડાતો હોવા છતાં ૨,૮૦૦ મીટરે પહોંચવામાં અમને વીસેક મિનિટ લાગી. ઊંચે ચડતા ગયા તેમ વધુ ને વધુ ઘટ્ટ વાદળોમાં દાખલ થતા રહ્યા. કેટલીક મિનિટો કોહરામાં વીતાવી ત્યાં એકાએક સૂર્યપ્રકાશની સોનેરી ટશરો દેખાવા લાગી. વાદળોની પેલે પાર આસમાની આકાશ એકદમ સ્વચ્છ હતું અને મો બ્લાં સ્પષ્ટ રીતે જોઇ શકાતો હતો. ફેરો સફળ થયાની લાગણી અમારા જ નહિ, કેબલ કારમાં ઉપસ્થિત સૌ પર્યટકોના ચહેરા પર ઉભરી આવી. મો બ્લાં પર્વતની બાજુના પર્વત પર બનાવવામાં આવેલા ઓપન એર ઓબ્ઝર્વેશન ડેક પર અમે ગયા. બરાબર સામે જ ૪,૮૦૭ મીટર ઊંચો મો બ્લાં હતો. ફ્રાન્સ અને ઇટાલિની સરહદ પર આવેલો આલ્પ્સ પર્વતમાળાનો સૌથી ઊંચો પર્વત! ઓબ્ઝર્વેશન ડેકની જમણી તરફ ઊંડી કોતર હતી, તો ડાબી તરફ લાંબી હિમસરિતા દેખાતી હતી. ક્ષિતિજ સુધી બર્ફિલા પર્વતોનો જબજસ્ત પથારો હતો.
હિમાલયના પર્વતોનાં શિખર જેમણે બહુ નજીકથી તેમજ રસપૂર્વક જોયા હોય તેમને મો બ્લાંનું શિખર કદાચ બહુ પ્રભાવશાળી ન લાગે. ઉપરથી તે બુઠ્ઠું છે. (ઉપરનો ફોટો). અર્થાત હિમાલયના શિખરોને હોય છે તેવી અણીદાર ચોટી તેને નથી. આકાર રાઉન્ડ છે--વેફર કોન પર મૂકેલા આઇસ ક્રીમ સ્કૂપની ઉપલી સપાટી જેવો! મો બ્લાં કરતાં તેની આસપાસના અમુક પર્વતો અમને જરા વધુ પ્રભાવશાળી લાગ્યા.

મો બ્લાંનું નિરીક્ષણ કરતાં અમે ઊભા હતા ત્યાં બે ફ્રેન્ચ ટુરિસ્ટો આવ્યા. સાથે એક ટાબરિયો પણ હતો. ‘બોં જૂર’ એક પર્યટક બોલ્યો.

‘બોં જૂર.’ અમે પણ ગૂડ મોર્નીંગ કહીને અભિવાદન કર્યું.

‘Vous etes d’ou’. (વૂ જેત દૂ/તમે ક્યાંના છો?) તેણે પૂછ્યું.

‘Je suis d’Inde’. (જ સ્વી દ ઈંદ/હું ભારતીય છું). ‘Comment alez vous?’ (કોમે તાલે વૂ/તમે કેમ છો?) અમે પૂછ્યું.

‘Je vais bien, Merci’. (જ વે બિંયા, મેસી/હું ઠીક છું, ધન્યવાદ).

‘Comment vous s’appelez vous?’ (કોમે વૂ જાપ્લે વૂ/તારૂં નામ શું છે?) ટાબરિયાને અમે પૂછ્યું.

આ સાંભળીને બેઉ ફ્રેન્ચો ખીલી ઊઠ્યા. અમને એક કરતાં વધુ ફ્રેન્ચ વાક્યો બોલતા સાંભળીને કદાચ તેઓ હરખાઇ ગયા હતા. છોકરા વતી તેમણે જવાબ આપી દીધો.

‘Avez vous froid?’ (આવે વૂ ફ્રૂઆ?/તને ઠંડી લાગે છે?) જેકેટ અને ટોપીમાં સજ્જ ટેણિયાને અમે સવાલ કર્યો. એણે હકારમાં તેનું મસ્તક હલાવીને જવાબ આપ્યો. ‘C’est un bon garcon’. (સેતં બોં ગારસોં/આ ટાબરિયો સરસ છે). અમે આગળ ચલાવ્યું. પેલા બેઉ જણાને વળી આશ્ચર્ય થયું. એ બેઉને અંગ્રેજી આવડતું નહોતું, એટલે ફ્રેન્ચમાં બીજી થોડીક ગોટપીટ અમે કરી.
મો બ્લાં નજીક લગભગ દોઢ-બે કલાક વીતાવ્યા બાદ અને આસપાસના પેનેરોમિક વ્યૂના ફોટાઓ લીધા બાદ રોપ-વે મારફત અમે નીચે ઊતરવાનું શરૂ કર્યું. વાદળોની જાજમ ભેદી ત્યાં વળી હરિયાળું શામોની ટાઉન દેખાવા લાગ્યું. રોપ-વેનો પ્રવાસ પૂરો થયો અને બહાર નીકળ્યા, એટલે પેલા બે ફ્રેન્ચો નજીક આવ્યા. હાથ મિલાવીને અભિવાદન કર્યું અને એકબીજાને ‘અ રવૂઆ’ (અલવિદા!) કહીને અમે છૂટા પડ્યા.

શામોની ટાઉનમાં પગપાળા ચાલીને અમે સાંજ સુધી ફર્યા. પંદર દિવસના વેકેશનનો આજે છેલ્લો દિવસ હતો. ઓક્ટોબર ૧૨, ૨૦૦૯ના રોજ લંડન ખાતેની શરૂ થયેલો યાદગાર પ્રવાસ ૨૩મી ઓક્ટોબરે પૂરો થયો. ૨૪મી તારીખે શામોનીથી મો બ્લાં એક્સ્પ્રેસ પકડીને Saint-Gervais-les-Bains સ્ટેશને અને ત્યાંથી બીજી ટ્રેન મારફત લિયો પહોંચ્યા બાદ લિયોથી TGV મારફત છેવટે મોડી રાત્રે Aéroport Charles de Gaulle/શોલ દ ગોલ એરપોર્ટના અન્ડરગ્રાઉન્ડ રેલ્વે સ્ટેશને ઊતર્યા. એરપોર્ટની નજીકમાં આવેલી હોટલમાં રાત્રિરોકાણ કર્યું--અને બીજે દિવસે સવારે દસ વાગ્યે પેરિસ એરપોર્ટથી અમદાવાદનો વળતો પ્રવાસ આરંભ્યો.

ટાવર ઓફ લંડનથી લઇને મો બ્લાં જોવા સુધીની સફરમાં કેટકેટલું અમે જાણ્યું, માણ્યું અને અનુભવ્યું હતું! બ્રિટન અને ફ્રાન્સની ટુર અમારા માટે ખરા અર્થમાં સ્ટડી ટુર સાબિત થઇ હતી, કેમ કે પ્રવાસની યાદગીરીઓ ઉપરાંત થોકબંધ જ્ઞાન પણ અમે લઇને આવ્યા હતા.

(સંપૂર્ણ)

Comments

  1. I would have wished to see ALPS after reading "jindagi jindagi".Today i have seen it in your blog.plz give more photoes. satyam vora

    ReplyDelete
  2. Nicely written travellogue with enviable consistency and focus.

    ReplyDelete
  3. Sir,can we have any one photo of whole safari team during this fantastic tour?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya