૨૭ વર્ષ, પ૨૭ જવાનો અને રૂ.૧,૧૦૦ કરોડના ભોગે બની રહેલી રોહતાંગ ટનલ

ભારતનો એકાદ સારો રોડ એટલાસ હાથમાં લો. જમ્મુ-કાશ્મીર રાજ્યનો નકશો બરાબર તપાસો. જુઓ કે મોટરમાર્ગે લેહ-લદ્દાખ પહોંચવા માટે માત્ર બે રસ્તા છે. એક રસ્તો શ્રીનગરથી સોનમર્ગ, દ્રાસ અને કારગિલ થઇને લેહ જાય છે. બીજો માર્ગ મનાલિથી રોહતાંગ ઘાટ થઇને પરબારો લેહને મળે છે.

આ બીજો રસ્તો નકશામાં દેખાય છે એવો સીધોસાદો નથી. ભારે અટપટો છે. હિમવર્ષાને લીધે વર્ષના છએક મહિના વાહનવ્યવહાર માટે તે લગભગ નકામો ઠરે છે. કુલ ૪૨૦ કિલોમીટર લાંબા માર્ગમાં ૨૦૦ ઠેકાણે પર્વતીય ઢોળાવો એવા છે કે જ્યાં ગમે ત્યારે હિમપ્રપાત થાય અને ધસી પડેલા હિમનો ઢગલો રસ્તાને બ્લોક કરી દે. આ કારણસર લેહ-લદ્દાખ અને સિયાચીનમાં સ્થિત ભારતીય લશ્કરને શસ્ત્રોનો અને ખોરાકપાણીનો લગભગ ૮૦% પુરવઠો શ્રીનગર-દ્રાસ-કારગિલના માર્ગે મોકલવામાં આવે છે. નેશનલ હાઇવે-૧ આલ્ફા તરીકે ઓળખાતો એ માર્ગ લેહ-લદ્દાખની ધોરીનસ જેવો છે, જે રખે કપાય તો દ્રાસથી માંડીને લેહ સુધીનું કાશ્મીર બાકીના ભારતથી વિખૂટું પડી જાય.

આ હકીકતને નજરમાં રાખી આજથી ૨૭ વર્ષ પહેલાં એક સ્ટ્રેટેજિક પ્રસ્તાવ ભારતની સંરક્ષણ સમિતી સમક્ષ મૂકાયો હતો. પ્રસ્તાવ ભારતના લેહ-લદ્દાખને હિમાચલ પ્રદેશના મનાલિ સાથે જોડતા માર્ગમાં બોગદું બનાવવા અંગેનો હતો. સૂચિત બોગદાનું સ્થળ ૩,૯૭૦ મીટરની ઊંચાઇએ આવેલા રોહતાંગ ઘાટ પાસે નક્કી કરાયું હતું. અહીંથી હિમાલયના પર્વતોની આરપાર નવેક કિલોમીટરનું બોગદું કોતરી દેવામાં આવે તો વર્ષના છ મહિના હિમ ઓથે ઢંકાયેલા રહેતા માર્ગને બાયપાસ કરી શકાય તેમ હતો. ટનલ બન્યા પછી મનાલિ-લેહ વચ્ચેનું અંતર પ૧ કિલોમીટર ઘટી જાય એ બીજો ફાયદો હતો. વ્યૂહાત્મક દ્રષ્ટિએ તે ટનલ ભારત માટે જરૂરી નહિ, અનિવાર્ય હતી. આમ છતાં એ પ્રોજેક્ટ સરકારી ફાઇલોમાં દટાઇ ગયો.

પૂરાં ૧૬ વર્ષ સુધી તેને યાદ કરાયો નહિ--અને પછી તેનું મહત્ત્વ સમજાવતો પ્રસંગ ૧૯૯૯માં બન્યો. શ્રીનગરને લેહ સાથે જોડતા નેશનલ હાઇવે-૧ આલ્ફાની ધોરીનસ કાપી નાખવાની મુરાદ સાથે પાકિસ્તાને તેના મુજાહિદિન સૈનિકોને દ્રાસના અને કારગિલના પહાડી મોરચે ગુપચુપ રવાના કર્યા. દ્રાસમાં મશ્કોહ ખીણ દ્વારા હાઇવે-૧ આલ્ફા સુધી પહોંચી જઇ ત્યાં સુરંગો વડે રસ્તાના ફૂરચા કાઢી નાખવાનું સિક્રેટ મિશન તેમણે પાર પાડવાનું હતું. હાઇવે-૧ આલ્ફા પર પાકિસ્તાનનો અંકૂશ આવે તો ભારતીય લશ્કરનાં પુરવઠા વાહનો માટે જાણે અચોક્કસ મુદતનો કરફ્યૂ ઓર્ડર લાગૂ પડે અને મોબાઇલ તોપો, દારૂગોળા, મશીનગનો, એન્ટિ-એરક્રાફ્ટ ગન, ખોરાક-પાણી વગેરે પૈકી કશું જ લેહ કે સિયાચીનના મોરચે પહોંચાડી શકાય નહિ એ નક્કી વાત હતી. આ તંગી સરવાળે ત્યાંના ભારતીય જવાનોને લાચાર કરી મૂકે અને પાકિસ્તાની લશ્કરના ઝંઝાવાતી આક્રમણ સામે અમુક કલાકો કરતાં વધુ સમય તેઓ લડત આપી ન શકે. સરવાળે લેહ અને સિયાચીનનો પ્રદેશ પાક એડી નીચે કાયમ માટે આવે.

ભારતના સદ્ભાગ્યે પાકિસ્તાનનો માસ્ટર પ્લાન ફળીભૂત થયો નહિ. કારગિલ, બટાલિક અને દ્રાસના મોરચે આપણા જવાનોએ દુશ્મનને આકરી લડત આપી. ભારતની ૩૦૦ તોપો રોજના પ,૦૦૦ લેખે ગોળા ઝીંકતી રહી અને વિમાનોએ બધું મળી પપ૦ હવાઇ હુમલા કર્યા. સતત ૭૪ દિવસ ચાલેલા યુદ્ધમાં પ૨૭ જવાનો શહીદ થયા, આશરે ૧,૩૬૩ ઘવાયા અને ૬ લાપત્તા બન્યા. યુદ્ધ પાછળ ભારતે વેઠવો પડેલો ખર્ચ રૂ.૧,૧૦૦ કરોડથી ઓછો ન હતો.

ભારતની તવારીખમાં કારગિલ યુદ્ધનું પ્રકરણ આપણા પરમવીરોની વિજયગાથા તરીકે લખાયું, પણ એક સવાલ મનમાં સહજ ઉદ્ભવે છેઃ ભારતની તવારીખમાં કારગિલ યુદ્ધ શા કારણસર લખાયું ?

આનો બહુ ટૂંકો, છતાં ટુ-ધ-પોઇન્ટ જવાબ એમ કહીને આપી શકાય કે હાઇવે-૧ આલ્ફા નામના પેલા માર્ગને કારણે ! લેહ-લદ્દાખના પ્રદેશને જોડતો બેક-અપ રસ્તો ભારત પાસે હોત તો પાકિસ્તાન હાઇવે-૧ આલ્ફા પર ડોળો માંડવાનો વિચાર સુદ્ધાં કરત નહિ. આ બેક-અપ રસ્તો એટલે મનાલિ-લેહનો હાઇવે, જ્યાંના હિમાચ્છાદિત માર્ગને બાયપાસ કરતી ટનલ રચવાનો પ્રોજેક્ટ ભારતની સુરક્ષા સમિતિએ વર્ષો પહેલાં સ્વીકારી લીધો હોત તો કારગિલ યુદ્ધ થવાનો પ્રશ્ન ન હતો.

ખેર, જો બીત ગઇ સો બીત ગઇ. એક સારા સમાચાર એ છે કે રોહતાંગ-લેહ વચ્ચેની સૂચિત ટનલના પ્રોજેક્ટને સરકારી ફાઇલોમાં પૂરાં ૨૭ વર્ષ કેદ રાખ્યા પછી પહેલી વખત એ પ્રોજેક્ટ દિવસનું અજવાળું જોવા પામ્યો છે. ઑસ્ટ્રિયાની એક ઇજનેરી કંપનીના સહયોગમાં ભારતે ટનલનું કાર્ય જૂન ૨૮, ૨૦૧૦ના રોજ વિધિવત શરૂ કરાવ્યું છે. પ્રોજેક્ટ પાંચ વર્ષ ચાલવાનો છે અને તેની પાછળ રૂ.૧,૪૯પ કરોડ ખર્ચાવાના છે.

ખર્ચનો આંકડો મોટો છે, પણ લેહને બાકીના ભારત સાથે જોડતો ઓલ્ટરનેટ રસ્તો કારગિલ યુદ્ધનું ‘વન્સ મોર’ ટાળી શકતો હોય તો એ ખર્ચ વ્યૂહાત્મક રીતે મોટો નથી. ખોટો પણ નથી.

Comments

  1. થેંક ગોડ, ૨૭ વર્ષ થયા છતાં ભાનમાં તો આવી ભારતની સરકાર...

    ReplyDelete
  2. I am born an brought up in Ahmedabad but right now from last 5 years or so I am in London. The striking difference between the two country, according to me, is public awareness. People in UK act for the public interest causes. They won't ask the typical question 'મને શું ને મારે કેટલા?'(Also let me make it clear that I am no different.) They always tend to stand by such causes. I wish there are a few authors or magazines like 'Safari' that positively try to build the notion of public awareness.
    Regards.

    ReplyDelete
  3. IT IS REALLY GOOD NEWS BUT WE HAVE WAIT TILL THE COMPLETION OF PROJECT WITHOUT ANY CORRUPTION.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. નમસ્તે હર્ષલભાઈ,

    હું એક બ્લોગ લખવાનું વિચારી રહ્યો છું 'પરિવર્તન' જેમાં કેટલીક દુર્લભ માહિતીઓ જે સફારીમાંથી મળે છે તેનો ઉપયોગ જરૂરી છે. ઉદા. તરીકે આ બ્લોગમાં એ મોસાદના જાસુસી મિશનો માનું ઇઝરાયેલનું પ્લેન હાઇજેક થયુ હતું તે અને ભારતનું પ્લેન હાઇજેક થયું હતું તે બંનેની કમ્પેરીઝન દ્વારા, વાચકો સુધી આ વાત પહોંચે અને દેશ માટે જાગૃતિ આવે તે મારો હેતુ છે. તો આવી દુર્લભ માહિતીનો ઉપયોગ કરી શકું તે માટે આપની મંજૂરી જોઈએ છીએ.

    આપના ઉત્તરની રાહમાં...
    -વિવેક રબારા

    virindian@gmail.com
    9712376014

    ReplyDelete
  6. ટનલ બાંધવાનો ખર્ચ કારગિલ યુદ્ધના ખર્ચની લગભગ છે. કારગિલ યુદ્ધની ખુવારી નોખી. બદમાશો ખર્ચ વધુ ખર્ચ વધુના નામે માથુ ધુણાવીને ફાઇલો બંધ કરી દેશે અને પછી સાવ નીચે રેલો આવે ત્યારે ફાઇલો ખોલશે. મુળ દાનતનો સવાલ છે. જે તે વખતે બોગદુ બાંધવાનો ત્વરિત નિર્ણય લઈ લીધો હોત તો હાલના ત્રીજા ભાગના ખર્ચમાં કામ થઈ ગયુ હોત. ટુંકમાં, હરામના હમેલો છે ઇ બધા.

    ReplyDelete
  7. Hi Harshal Pushkarna,
    This is Nishit Jariwala from Surat. I am looking forward to your magazine "Safari" for long time. I am a website designer. And i want to request you to make your personal blog. I want to make your personal blog(www.harshalpushkarna.com). I have checked this domain and i have awesome designs for you. If you are interested in making your personal blog with me, please contact me.

    Contact Information:
    E-mail: contact@nishitjariwala.com
    Phone: 8141337755

    ReplyDelete
  8. Hi harshal,
    First i want to congratulate you to do nice efforts to wake up our society for our nation.
    I am die hard fan of SAFARI, I love reading all articles of safari. It has been great pleasure to read your articles.
    Keep going
    Thank you.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya