કોવિડ-19 દરદીના શરીરમાં શી ભાંગફોડ મચતી હોય છે?

કોરોનાનો Licenced to Kill વિષાણુ માત્ર શ્વસનતંત્રને નહિ, અન્‍ય અવયવોને પણ ગંભીર હાનિ પહોંચાડી શકે છે.

કોવિડ-19ના બહુધા દરદીઓ ફેફસાં નિષ્‍કામ બન્યાથી મૃત્‍યુ પામ્યા છે ત્યારે અમુક પેશન્‍ટના કેસમાં હાર્ટ અટેક, પક્ષાઘાત, કીડનીની ખરાબી જેવી સમસ્‍યા મૃત્‍યુનું કારણ બની છે. આવું કેમ?


માનવશરીરના ‘ઉપલા માળે’ બિરાજેલા મહત્તમ દોઢ કિલોગ્રામ વજનના મગજની બુદ્ધિમત્તા ખરેખર કેટલી તે માપવાની મૂર્ત ફૂટપટ્ટી આજ દિન સુધી બની નથી. બનવાની પણ નથી, કેમ કે બુદ્ધિનો ક્યાસ કાઢવાનાં કોઈ એકમો હોતાં નથી. આમ છતાં પૃથ્‍વીના તમામ સજીવોમાં ખુદને સૌથી ઇન્‍ટેલિજન્‍ટ પ્રાણી સમજતી માનવજાતે ઇન્‍ટેલિજન્‍સ ક્વોશન્‍ટ (આઇ.ક્યૂ.) નામની અમૂર્ત ફૂટપટ્ટી બનાવી છે. આ સ્‍કેલ પર સ્‍વયંને સરેરાશ ૧૧૦ આઇ.ક્યૂ. આંક પર મૂકીને મનુષ્‍યએ પૃથ્‍વીના ‘સૌથી બુદ્ધિશાળી પ્રાણી’નો ખિતાબ પોતાના નામે લખી નાખ્‍યો છે.

આ સ્‍વઘોષિત ખિતાબની ફક્ત ૦.૦૦૦૬ મિલિમીટરનું નગણ્ય કદ ધરાવતો કોરોનાનો તુચ્‍છ વિષાણુ રીતસર હાંસી ઉડાવી રહ્યો છે. બુદ્ધિશાળી મનુષ્‍ય કરતાં કોરોનાવાઇરસ સવાયો ભેજાબાજ સાબિત થયો છે. એ વાત જુદી કે વાઇરસને ભેજા જેવું કશું હોય નહિ, કેમ કે તે સજીવ નથી. આમ છતાં મનુષ્‍યના શરીરમાં દાખલ થવા માટે, દાખલ થયા પછી શરીરમાં પોતાની સંખ્‍યા ગુણાંકમાં વધારવા માટે અને સંક્રમણ વડે માનવજાતને મહામારીમાં ધકેલી દેવા માટે કોરોનાવાઇરસ જે ચાતુરીભર્યા આટાપાટા ખેલે છે તે સરેરાશ ૧૧૦ આઇ.ક્યૂ. આંક ધરાવતી માનવજાતની સમજ બહારના છે. બુદ્ધિના ખીલે ઊછળકૂદ મચાવતા મનુષ્‍યએ એટલે જ તો લોકડાઉન હેઠળ બંધબારણે બેસવાનું થયું છે. દરમ્‍યાન કોરોના વિષાણુ વિશ્વના લગભગ ચાલીસ લાખ લોકોના શરીરમાં પ્રવેશી ચૂક્યો છે અને પોણા ત્રણ લાખથી વધુ દરદીઓ માટે જાનલેવા નીવડ્યો છે. 

કોવિડ-19 બીમારી મુખ્‍યત્વે મનુષ્‍યના શ્વસનતંત્રને લગતી હોવાથી ઘણાખરા દરદીઓ ફેફસાં નિષ્‍કામ થઈ જવાને કારણે અવસાન પામ્યા છે. બીજી તરફ કોવિડ-19ના અમુક દરદીઓના કેસમાં હાર્ટ અટેક, બ્રેઇન સ્‍ટ્રોક (પક્ષાઘાત), કિડનીની ખરાબી તથા લોહીના ગઠ્ઠા (થ્રોમ્‍બોસિસ) જેવી વ્‍યાધિ મૃત્‍યુનું કારણ બની છે. આવું કેમ? ફેફસાં ઉપરાંતનાં અવયવોને કોરોના વિષાણુનો ચેપ લાગી શકે?


***શ્વસનતંત્રઃ કોરોના હુમલાનું મુખ્ય ટાર્ગેટ***

ઉપરોક્ત સવાલ તબીબો માટે જટિલ કોયડો બન્‍યો છે, જેના સંદર્ભે વૈજ્ઞાનિક અભ્યાસ વડે તેઓ જે કંઈ સમજી શક્યા છે તેના કરતાં સમજવા લાયક બાબતોનું લિસ્‍ટ લાંબું છે. અહીં પહેલાં વાત તબીબો જે કંઈ સમજી શક્યા છે તે અંગે કરીએ.
કોવિડ-૧૯ બીમારીનો કારક એવો કોરોનાવાઇરસ નાક અને મુખ વાટે શરીરમાં પ્રવેશ્‍યા પછી શ્વસનતંત્રમાં ધામા નાખે છે.  માનવશરીરમાં આમ તો ૨૦૦ પ્રકારના કુલ મળીને ૩૦,૦૦૦ અબજ કોષો હોવાનું જોતાં કોરોના વિષાણુ પાસે લક્ષ્‍યાંકનાં અનેક વિકલ્‍પો છે. જેમ કે, ત્વચાના કોષોમાં ડેરો જમાવી શકાય. અથવા તો વિવિધ સ્‍નાયુકોષોને બાનમાં લઈ શકાય. કે પછી ચરબીના કોષો પર હલ્‍લો બોલાવી શકાય. પરંતુ કોરોના વિષાણુ આમાંના એકેયને ટાર્ગેટ બનાવવાને બદલે શ્વસનતંત્રના કોષોનું હાઈજેકિંગ કરે છે તેનાં બે કારણો છે.

■ કારણ નં. ૧ઃ શરીરના અન્‍ય કોષોની તુલનાએ શ્વસનતંત્રના કોષોની સપાટી પર ACE2 પ્રકારનું પ્રોટીન ભરપૂર માત્રામાં છે. આ પ્રોટીનને કોષના બંધ દરવાજાનું તાળું ગણો, તો કોરોનાવાઇરસની સપાટી પર આવેલી ભીંગડાંરૂપી રિસેપ્ટર પિન એ તાળાની ચાવી છે. મોબાઇલના ચાર્જરનો પ્‍લગ સ્વિચ-બોર્ડના સોકેટમાં ભરાવ્યા બાદ જ કરન્‍ટનું વહન થાય એ રીતે વાઇરસની રિસેપ્‍ટર પિન ACE2 જોડે ગઠબંધન રચે ત્‍યાર પછી જ તેનું કોષ જોડે કનેક્શન સ્‍થપાય છે. એક વાર આવું જોડાણ સ્‍થપાય, એટલે વાઇરસ કોષની અંદર પેસી સંખ્‍યાબંધ નકલો બનાવવા લાગે છે. નકલ એકાદ-બે નહિ, પણ લાખોમાં બને. આથી તેમને સમાવવા માટે કોષ જરાતરા ફુલે, પણ વસ્‍તીવિસ્‍ફોટ હદપાર જતાં આખરે તો કોષ રીતસર ફાટી પડે છે. નવા બનેલા વિષાણુની જંગી સેના એ સાથે બહાર નીકળી આવે છે.

■ કારણ નં. ૨ઃ મહામારીનો સપાટો બોલાવવો અને શક્ય એટલા વધુ મનુષ્‍યોનો ભોગ લેવાનો પ્રયાસ કરવો વિષાણુનો નિયમ છે. આ હેતુ બર લાવવા સંક્રમણ વ્‍યાપક પ્રમાણમાં થવું જોઈએ. છીંક અને ખાંસી વાટે નીકળતા લાળબિંદુઓ સંક્રમણ માટેનાં શ્રેષ્‍ઠ વાહક છે. આથી જ કોરોનાવાઇરસ નાક, મોં, ગળું, શ્વાસનળી તથા ફેફસાંમાં આસન જમાવે છે અને પ્રત્‍યેક ‘ખોં... ખોં...’ તથા દરેક ‘હાક્... છીં...’ વખતે હજારો લાળબિંદુ પર સવારી કરતો શરીરમાંથી બહાર ઊલળી આવે છે. ભેજા વગરના વિષાણુ માટે ‘ભેજાબાજ’ શબ્‍દ અમસ્‍તો જ વાપર્યો નહોતો.
નાક અને ગળાના અસંખ્‍ય કોષોમાં પેસારો કરી કોરોનાવાઇરસ પોતાની અગણિત નકલો તૈયાર કરી નાખે છે. એકાદ અઠવાડિયાના એ સમયગાળામાં જો શરીરનું રોગપ્રતિકાર તંત્ર વિષાણુની વૃદ્ધિને તેમજ આગેકૂચને રોકવામાં અસફળ રહે તો વિષાણુનું ધાડું શ્વાસનળી મારફત નીચે ઊતરતું ફેફસાંમાં છેક અંદરખાને આવેલી વાયુકોષ્‍ઠિકાના (અંગ્રેજી શબ્‍દઃ એલ્વિઓલી) સુધી પહોંચે છે. ખાનાખરાબીનો ખરો ખતરનાક ખેલ ત્‍યાં ખેલાય છે.


***ફેફસાં જ્યારે ફસકી પડે***

સૌ જાણે છે તેમ નાક વાટે લેવાતી હવા શ્વાસનળી દ્વારા વહીને ડાબા-જમણા ફેફસાંમાં જાય છે. આ માટે મુખ્‍ય શ્વાસનળીને ડાબી શ્વાસવાહિકા અને જમણી શ્વાસવાહિકા એમ બે શાખા છે, જે આગળ જતાં નાની-મોટી કુલ ૨૩ વિશાખામાં ફંટાય છે અને છેલ્લે ઝૂમખાની દ્રાક્ષ જેવી અનેક વાયુકોષ્‍ઠિકાના (એલ્વિઓલી) સ્વરૂપે શ્વસનતંત્રનું સમાપન થાય છે. (જુઓ, રેખાંકન.) અંદરખાને પોલાણ ધરાવતી દરેક વાયુકોષ્‍ઠિકાની ફરતે રક્તવાહિનીઓ લપેટાયેલી છે. શ્વાસમાં લીધેલો ઓક્સિજન વાયુકોષ્‍ઠિકાના પોલાણમાં પહોંચ્‍યા પછી રક્તવાહિનીમાં ટ્રાન્‍સફર થતો છેવટે લોહીમાં ભળે અને તે લોહી હૃદય સુધી પહોંચે એ પ્રકારની જૈવિક ક્રિયાનું કુદરતે આયોજન કર્યું છે.


શ્વસનતંત્રની એ કુદરતી ઘટમાળમાં કોરોના વિષાણુ ડખો પેદા કરે છે. ફેફસાંની વિશાખાઓના તેમજ તેમના છેડે આવેલી વાયુકોષ્‍ઠિકાના અસંખ્‍ય કોષોનો કોરોના વિષાણુ ખાતમો બોલાવતો જાય છે. પરિણામ? ચેપગ્રસ્‍ત કોષોની પ્રોટીનરૂપી દીવાલ તૂટી જતાં અંદરનું જૈવિક પ્રવાહી બહાર નીકળી આવે છે અને વાયુકોષ્‍ઠિકાના પોલાણમાં ભરાય છે. (રેખાંકનમાં પ્રવાહી લીલા રંગે બતાવ્યું છે.) એકસામટા કરોડો કોષ ફાટી પડતા હોય ત્‍યારે તેમના જૈવિક પ્રવાહીનો સામૂહિક જથ્‍થો નાનોસૂનો ન હોય. આ જથ્‍થો વાયુકોષ્‍ઠિકાની અંદર એકઠો થતો રહે છે.

અહીંથી મામલો વધારે તો ત્‍યારે બિચકે કે જ્યારે કોરોનાવાઇરસની સેનાને પડકારવા માટે શરીરનું રોગપ્રતિકારક તંત્ર લોહીના શ્વેત કણો થકી કિમોકાઇન્‍સ નામનું પ્રોટીન ‌‌િરલીઝ કરે. વાયુકોષ્‍ઠિકામાં તેનો પણ આસ્‍તે આસ્‍તે જમાવડો થવા લાગે છે. નતીજારૂપે ઓક્સિજનનું અંદર આવવું અને કાર્બન ડાયોક્સાઇડનું બહાર જવું ખોરંભે પડે છે. શ્વસન ક્રિયા અગાઉ જેટલી કારગત રહેતી નથી. દરદીએ શ્વાસોચ્છવાસ ચલાવવા માટે રીતસર વલખાં મારવાનાં થાય છે. દરિયામાં ડૂબતા હોવાની લાગણી તેને થવા લાગે. તબીબોએ ત્‍યારે તેને વેન્‍ટિલેટર પર રાખવો પડે છે. 

વાઇરસનો ફેલાવો આટલેથી પણ ન અટકે તો ફેફસાંના વધુ કોષોનો નાશ થતાં મોટા ભાગની વાયુકો‌ષ્‍ઠિકાઓ કોષોના પ્રવાહી, કફ, પરુ તથા કિમોકાઇન્‍સ વડે છલોછલ ભરાઈ જાય છે. આ જાનલેવા તબક્કે તો વેન્‍ટિલેટરનો પણ ખાસ કશો મતલબ રહેતો નથી. શ્વસનતંત્ર પડી ભાંગતાં દરદીનું નિધન થાય છે. કોવિડ-૧૯ના બહુધા દરદીઓનું અવસાન ફેફસાં નિષ્‍કામ થવાને કારણે નીપજ્યું છે.


***અન્‍ય અવયવો પર કોરોનાનો પ્રભાવ***

બીજી તરફ કોવિડ-19ના અમુક દરદીઓના કેસમાં હાર્ટ અટેક, બ્રેઇન સ્‍ટ્રોક (પક્ષાઘાત), કિડનીની ખરાબી તથા લોહીના ગઠ્ઠા જેવી સમસ્‍યા મૃત્‍યુનું કારણ બન્‍યું છે. આવું કેમ?

■ પહેલાં હાર્ટ અટેકની વાત કરીએ. હૃદયનું કાર્ય આખા શરીરમાં લોહીનો પુરવઠો પહોંચાડવાનું છે—અને તે કામ રંગેચંગે પાર પડે એ માટે હૃદયને ઓક્સિજનયુક્ત લોહીનો પુરવઠો મળ્યા કરવો જોઈએ. લોહીમાં ભળેલા આેક્સિજનને તારવી લેવામાં હૃદયની કાર્યક્ષમતા ગજબ છે. શરીરનાં અન્‍ય અંગો તેમને પહોંચતા લોહીના સરેરાશ ૨૫ ટકા પુરવઠો ગ્રહણ કરે, તો હૃદયના સ્નાયુઅો લોહીનો કસ ૬૫ ટકા સુધી કાઢે છે. મતલબ કે એટલો ઓક્સિજન ગ્રહણ કરી લે છે. શરીરના ૩૦,૦૦૦ અબજ કોષોની જીવાદોરી હૃદય, તો હૃદયની જીવાદોરી ઓક્સિજન છે. 
કોરોના વિષાણુ ફેફસાંમાં દાખલ થયા પછી શ્વસનતંત્ર ખોરવવા લાગે ત્‍યારે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ અગાઉ જેટલું રહેતું નથી. રક્તમાં ગઠ્ઠા થવા લાગે છે અને રક્તવાહિનીઓમાં ક્યારેક એવા ગઠ્ઠા લોહીની નાકાબંધી રચે છે. (આ સમસ્‍યાનું તબીબી નામ થ્રોમ્‍બો‌િસસ છે.) ગઠ્ઠારૂપી અવરોધને હટાવવા માટે હૃદય તેનું પમ્‍પિંગ વધારી દે તો દબાણને કારણે નાના ટુકડામાં વહેંચાતો ગઠ્ઠો અન્‍ય રક્તવાહિનીઅો તરફ આગળ ધકેલાય છે. જો કે એકાદ સૂક્ષ્‍મ રક્તવાહિનીમાં તે ફસાય એવી સંભાવના ખરી. રક્તવાહિની રખે મગજની હોય તો પક્ષાઘાતનો (બ્રેઇન સ્‍ટ્રોકનો) હુમલો આવ્યો સમજો. કોવિડ-૧૯ના પેશન્‍ટ પક્ષાઘાતને કારણે મૃત્‍યુ પામ્‍યાના અમુક કેસ બન્‍યા પણ છે.

સંભવ છે કે લોહીનો ગઠ્ઠો સહેજ પણ આઘોપાછો થયા વિના જ્યાંનો ત્યાં નાકાબંદી કરતો સ્‍થિર રહે. આવા વખતે રક્તપ્રવાહ ખોરવાય છે. સરવાળે હૃદયને આવશ્‍યક પ્રાણવાયુ ન મળતાં થોડા કલાકોમાં તેના સ્‍નાયુકોષો મૃત્યુ પામવા લાગે છે. કોવિડ-૧૯ સામે ઝઝૂમતી વખતે હાર્ટ અટેકને કારણે અવસાન પામેલી એક ઇટાલિયન મહિલાના હૃદયનું પોસ્ટમોર્ટમ કરતાં જાણવા મળેલું કે તેના ડાબા ક્ષેપકના અનેક સ્‍નાયુકોષો (પ્રાણવાયુના અભાવે) મરી પરવાર્યા હતા. કમજોર પડી ગયેલું હૃદય જરૂરિયાતના ત્રીજા ભાગ જેટલા લોહીનું જ પમ્‍પિંગ કરી શકતું હતું. ચીનની એક હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલા કોવિડ-૧૯ના ૪૧૬ પૈકી ૮૦ દરદીઓ હાર્ટ અટેકને કારણે મૃત્‍યુ પામ્‍યાની નોંધ છે.

■ અમુક કેસમાં કોવિડ-૧૯ પેશન્‍ટે મૂત્રપિંડ (કિડની) ફેલ થવાને કારણે જીવ ગુમાવ્યા છે. મૂત્રપિંડ શરીરના બાયોલોજિકલ તંત્ર માટે ઘણી જાતનાં કાર્યો બજાવે છે. લોહીના દબાણનું નિયમન કરવામાં, રક્તકણોનાં સર્જનમાં અને વિટામિન D ને સક્રિય બનાવવામાં તેનો મોટો ફાળો છે. સૌથી મહત્ત્વનું કામ લોહીના શુદ્ધિકરણનું છે. આથી કુદરતે આપણને એક નહિ, પણ બે મૂત્રપિંડ આપ્યાં છે. ફિલ્ટરેશન માટે દરેક મૂત્રપિંડમાં લગભગ ૧૨,૦૦,૦૦૦ માઇક્રોસ્કોપિક ચાળણાં છે, જેમને નેફ્રોન કહે છે. રોજનું ૧૨૦ લિટર જેટલું પ્રવાહી તેમાં ગળાય છે અને છેવટે નકામો કચરો ૨ લિટર જેટલા પેશાબ મારફત બહાર નીકળી જાય છે.

શ્વસનતંત્રની જેમ મૂત્રપિંડના કોષોની સપાટીએ પણ ACE2 પ્રોટીનની વ્યાપક હાજરી છે. આથી સંભવ છે કે કોરોનાવાઇરસ મૂત્રપિંડના કોષોમાં ઘૂસણખોરી મચાવતો હોય. આની શત-પ્રતિશત સાબિત હજી મળી નથી, પરંતુ ચીનમાં તથા યુરોપ-અમેરિકામાં કિડની ફેલ થવાને કારણે મૃત્‍યુ પામેલા અમુક કોવિડ-૧૯ દરદીઓના મૂત્રપિંડમાં કોરોના વિષાણુનો ચેપ હોવાનું જાણવા મળ્યું છે.

■ શ્વસનતંત્ર ઉપરાંત પાચનતંત્રને પણ કોરોનાનો દુષ્‍ટ વિષાણુ કનડગત કરતો હોવાનું ધ્‍યાન પર આવ્યું છે. મનુષ્‍યના આંતરડાંમાં આવેલા કોષની સપાટી ACE2 પ્રોટીન ધરાવે છે. આથી તેના વડે કોરોનાનો વિષાણુ કોષની અંદર ઘૂસણખોરી મચાવી શકે છે. કદાચ એટલે જ કોવિડ-૧૯ના અનેક દરદીઓને પેટની ગરબડ વેઠવાની થાય છે. ડાયેરિયાથી માંડીને આંતરડાની આંતરિક દીવાલને નુકસાન પહોંચ્‍યા સુધીની બાબતો તબીબી અભ્‍યાસમાં જાણવા મળી છે. કોવિડ-૧૯ના કેટલાક દરદીઓના તો મળમાં કોરોનાવાઇરસના RNA ની હાજરી પકડાઈ છે.

■ માણસની ઘ્રાણેન્દ્રિય નાકનાં બેય નસકોરાંની ઉપર તરફ આવેલા ૨,૫૦,૦૦,૦૦૦ સંવેદક કોષોને આભારી છે. આ કોષોના પ્રતાપે માણસ લગભગ ૧૦,૦૦૦ પ્રકારની ખુશ્બોને કે બદબોને અોળખી શકે છે. નાકની આંતરિક સપાટીના કોષોની ચીરફાડ કરતો કોરોનાવાઇરસ ઘ્રાણેન્‍દ્રિયની ક્ષમતા ઘટાડી નાખે છે, એટલે કોવિડ-૧૯નો દરદી સુગંધ કે દુર્ગંધ પ્રત્‍યેની સંવેદનશીલતા વધુઓછા અંશે ગુમાવે છે.

સમજાય છે હવે કે ફક્ત ૦.૦૦૦૬ મિલિમીટરનું નગણ્ય કદ ધરાવતો કોરોનાનો તુચ્‍છ વિષાણુ બુદ્ધિશાળી મનુષ્‍ય કરતાં સવાયો ભેજાબાજ કેમ સાબિત થયો છે. મહામારી ફેલાવવાની કંઈક અજબ પ્રકારની રણનીતિ સાથે તે આવ્યો છે, જેને સમજવામાં હજી ઘણો સમય નીકળી જવાનો છે.
ઉપરોક્ત વર્ણન વાંચ્યા પછી હવે એ પણ સમજાય કે કોવિડ-૧૯ના સકંજામાં આવેલા દરદીને દુરસ્‍ત કરવાનું તબીબો માટે કેટલું પડકારરૂપ છે? અને છતાં જગતભરમાં કોવિડ-૧૯ના ચૌદ લાખ દરદીઓને કાબેલ તબીબો દુરસ્‍ત કરી ચૂક્યા છે. સલામ છે એ કાબીલે તારીફ મૃત્‍યુંજયોને! ■
---------------------------------------

Comments

Popular posts from this blog

Vijaygupta Maurya

આર્મી સર્વિસ કોરઃ હોળી કે દિવાળી, તારે યુદ્ધ એ જ તહેવાર

Vijaygupta Maurya