કોરોનાવાઇરસની રસીનું કેમ? શું? કેવી રીતે? (અને ક્યારે?)
૬૩ લેબોરેટરી; હજારો વિષાણુવિજ્ઞાની; અનેક પરીક્ષણો— છતાં કોરોનાવાઇરસની રસીનું ‘યુરેકા!’ કેમ થતું નથી?
એક મજેદાર પ્રસંગ છે. કાલ્પનિક છે, પણ વિષાણુવિજ્ઞાન પર આધારિત હોવાથી રસ પમાડે તેવો છે.
કોવિડ-૧૯ જેવી ભેદી મહામારી સમગ્ર વિશ્વમાં ફરી વળી છે. ચાર અબજ લોકોનો તેમાં ભોગ લેવાઈ ચૂક્યો છે અને મૃત્યુઆંક પ્રતિદિન વધી રહ્યો છે. સાતેય ખંડોની ભૂમિ પર અફરાતફરી મચી છે ત્યારે અફાટ સમુદ્રમાં હંકારતા અમેરિકી નૌકાદળના યુદ્ધજહાજ પર શાંતિનો માહોલ છે. મહામારી ફેલાયાના કેટલાક મહિના પહેલાં એ જહાજ આશરે ૨૦૦ નાવિકો તથા અફસરો સાથે મુખ્ય ભૂમિ છોડીને ખુલ્લા સમુદ્રમાં કો’ક મિશન માટે હંકારી ગયું હોવાથી તમામ નાવિકો ચેપમુક્ત રહી શક્યા છે.
હવે જો કે તેમના મિશનમાં નાટકીય વળાંક આવ્યો છે. જગતને રેડ ફ્લૂ નામે ફૂટી નીકળેલી મહામારીમાંથી ઉગારવા બનતા પ્રયત્નો તેમણે કરી છૂટવાના છે. એક તકલીફ મિશન આડે દીવાલ બનીને ઊભેલી છેઃ રેડ ફ્લૂના કારક વાઇરસને નાથતી કોઈ દવા નથી તેમ તેને ફેલાતો અટકાવતી રસી પણ નથી. આ શોધ યુદ્ધજહાજમાં જ ઊભી કરેલી કામચલાઉ લેબોરેટરીમાં ફરજ બજાવતી ડો. રેચલ સ્કોટ નામની મહિલા વિષાણુ નિષ્ણાતે કરી દેખાડવાની છે.
રેડ ફ્લૂનો વાઇરસ હઠીલો છે, તો તેને આધુનિક વિજ્ઞાન વડે મહાત દેવા માગતી ડો. સ્કોટ પણ જલદી મચક આપે તેમ નથી. વિષાણુને ‘હાથકડી’ પહેરાવી ગિરફતાર કરી શકે તેવાં પ્રતિદ્રવ્યો એટલે કે એન્ટિબોડીઝ તૈયાર કેમ કરવા તે અંગે પુષ્કળ ખણખોદ કર્યા પછી આખરે નસીબ આડેનું પાંદડું ખસે છે. ડો. સ્કોટને એવી છોકરીનો આકસ્મિક ભેટો થાય છે જેના પર રેડ ફ્લૂનો વાઇરસ કશી અસર જન્માવી શક્યો નથી. છોકરીનું રોગપ્રતિકાર તંત્ર પાવરફુલ હોય અને તેણે રેડ ફ્લૂના વિષાણુ સામે પ્રતિદ્રવ્યો બનાવ્યાં હોય તો જ એવું સંભવ બને. ડો. સ્કોટ એ છોકરીના શરીરમાંથી પ્રતિદ્રવ્યો તારવી લે છે. જહાજની લેબોરેટરીમાં તબીબી પરીક્ષણોનો નવો સિલસિલો શરૂ થાય છે, જેના પરિણામરૂપે ડો. સ્કોટ રસીનું ‘યુરેકા!’ કરી નાખે છે. ધી એન્ડ?
નહિ! મજેદાર કલ્પનાકથાનો વધુ રસિક ભાગ તો હવે શરૂ થાય છે. ડો. સ્કોટે બનાવેલી રસી સાધારણ નથી. બલકે, ટુ-ઇન-વન છે. આ રીતેઃ
(૧) સાજાસમા લોકોને રેડ ફ્લૂ વિષાણુના સંભવિત ચેપ સામે રક્ષણ આપે છે.
(૨) રેડ ફ્લૂનો ભોગ બની ચૂકેલા અને મરવાના વાંકે જીવી રહેલા દરદીઓને બિમારીમાંથી સાજાસમા ઉગારી લે છે.
લેબોરેટરીમાં રસી તો બની. હવે તેને દુનિયાભરમાં વેળાસર પહોંચતી કરી રેડ ફ્લૂથી પીડાતા કરોડો દરદીઓને સાજા કરવાનો તકાદો છે. મેડિકલ સ્ટાફને અકેક રોગી સુધી પહોંચતા કરવા અને ઇન્જેક્શન વડે પ્રત્યેક દરદીને ડોઝ આપવો ભગીરથ કાર્ય છે. સમયની પુષ્કળ બરબાદી તેમાં થાય, જે દરમ્યાન વધુ ને વધુ દરદી મોતને ભેટતા રહે. આથી શ્રમ અને સમય બચાવવા માટે ડો. સ્કોટના ફળદ્રુપ દિમાગમાં ઝબકારો થાય છેઃ
વિષાણુના વાહક વ્યક્તિના ઉચ્છ્વાસ તેમજ સ્પર્શ વાટે જો વિષાણુનો ચેપ ફેલાઈ શકતો હોય તો એ જ માધ્યમ રસીના ફેલાવા માટે પણ અપનાવી શકાય કે નહિ? ટૂંકમાં, રસીનો લાભ જેને મળ્યો હોય તે વ્યક્તિ પોતાના ઉચ્છ્વાસ-સ્પર્શ વડે રેડ ફ્લૂના દરદીઓને સાજા કરતો જાય તો કેવું? હજી વધારે ટૂંકમાં, વિષાણુનો નહિ, પણ વિષાણુને ખતમ કરતી રસીનો ચેપ ફેલાવવાનો!
આ તુક્કો ‘પત્તે કી રોટી બન જાયે ઔર પાની કા ઘી બન જાયે, તો બંદા ઝબોલ ઝબોલ કે ખાયે’ જેવો તરંગી લાગે, છતાં વિષાણુવિજ્ઞાનને બને ત્યાં સુધી વફાદાર રહીને બનેલી ‘ધ લાસ્ટ શિપ’ નામની વેબ સીરિઝના આરંભની બે સીઝનમાં તુક્કાનું દૃશ્ય સ્વરૂપે નિરૂપણ એટલું રચનાત્મક રીતે કરાયું છે કે જોનારને સાયન્સ ફિક્શન પણ સાયન્સ ફેક્ટ લાગવા માંડે. મનમાં એવો વિચાર પણ આવી જાય કે કોવિડ-૧૯ મહામારીના વર્તમાન સંજોગોમાં વિષાણુનો ચેપ ફેલાય છે એ જ રીતે કોરોનાની રસીનો પણ ફેલાવો થવા લાગે તો કેવું સારું?
***રસીના બે પ્રકારઃ નિવારક અને પ્રતિકારક***
પરંતુ એવી સુખદ સ્થિતિએ પહોંચી શકાય એટલી હદનું વિષાણુવિજ્ઞાન હજી વિકસ્યું નથી. આ વિજ્ઞાને આજ દિન સુધીમાં જે વિકાસ કર્યો તેની પણ કેટલીક મર્યાદા છે, જેને કારણે કોવિડ-૧૯ના કોરોનાવાઇરસની રસી હજી બની શકી નથી. આવતી કાલે ધારો કે તે બને તો પણ વિષાણુના ચેપથી શરીરને સુરક્ષિત રાખતો અને ચેપગ્રસ્ત શરીરને વિષાણુમુક્ત કરી આપતો ટુ-ઇન-વન ગુણધર્મ રસીમાં લાવવો લગભગ અશક્ય છે. આવી બેલડી રસીનો આવિષ્કાર હજી થયો હોવાનું જાણવામાં આવ્યું નથી. અત્યારે તબીબી વિજ્ઞાન પાસે બે અલગ જાતની રસીઓ છે.
(૧) રોગનિવારક રસીઃ આવી રસી દરદીને રોગ લાગુ પડ્યા પછી આપવામાં આવે છે. મૂળભૂત રીતે તેનું કાર્ય શરીરના રોગપ્રતિકારક તંત્રને ઢંઢોળી લડાયક મૂડમાં લાવવાનું છે. આની પાછળની જૈવિક પ્રક્રિયા બહુ સંકીર્ણ છે, પરંતુ નિષ્કર્ષ એટલો કે એકાદ લશ્કરી કમાન્ડર યુદ્ધભૂમિમાં પોતાના સૈનિકોને લડાવવાની રણનીતિ બનાવે તેમ થેરાપ્યૂટિક એટલે કે રોગનિવારક રસી કમાન્ડરના રોલમાં શરીરના રોગપ્રતિકારક તંત્રને લડવાની દોરવણી આપે છે. વિષાણુ નિષ્ણાતો અેેચ.આઇ.વી. એઇડ્સ, હર્પિસ (વિસર્પિકા), સર્વાઇકલ કેન્સર (ગ્રીવા કર્કરોગ) જેવી અમુક વ્યાધિની રોગનિવારક રસી બનાવવામાં વધુ-ઓછો અંશે સફળ રહ્યા છે.
(૨) રોગપ્રતિકારક રસીઃ આ બીજા પ્રકારની રસીનું કામ પહેલી કરતાં વિપરીત છે. રોગનો (દા.ત. શીતળાનો) હુમલો થાય એ પહેલાં જ તે શરીરને લડવા માટે સક્ષમ બનાવી દે છે. રસી ફોર્માલ્ડિહાઇડ જેવા દ્રાવણમાં મૃતપ્રાય કરી દેવામાં આવેલા વિષાણુની (દા.ત. શીતળાના વાઇરસની) બનેલી હોય છે. િસરિન્જ વડે તેને રક્તપ્રવાહમાં દાખલ કરતાં રોગપ્રતિકારક તંત્ર યુદ્ધનું બ્યૂગલ બજ્યું હોય તેમ લડવાના મૂડમાં આવે છે. રસીના વિષાણુઅો જીવંત ન હોવાથી સક્રિય નથી—અને સક્રિય નથી, એટલે શરીર પર રોગનો ઉગ્ર હુમલો થતો નથી. આમ છતાં બિનબુલાયે પધારેલા વિષાણુરૂપી ઘૂસણખોરોના સંહાર માટે રોગપ્રતિકારક તંત્ર પ્રતિદ્રવ્યો (એન્ટિબોડીઝ) પેદા કરવાનું ચૂકતું નથી.
એક વખત પ્રતિદ્રવ્યોની અક્ષૌહિણી સેના ઊભી થઈ, એટલે સમજો કે ભવિષ્યમાં થનારા જીવંત વિષાણુના સંભવિત આક્રમણ સામેની જંગ એડવાન્સમાં જ જીતી લીધી. રોગપ્રતિકારક તંત્ર અગાઉ મળેલી રસીના પ્રતાપે સતર્ક અને સક્ષમ રહી પ્રતિદ્રવ્યો વડે જીવંત વાઇરસનો ફેંસલો લાવી દે છે. શરીરને વિષાણુનો ચેપ લાગે તો પણ રોગનું માથું ઊંચકાતું નથી.
મૃતપ્રાય વિષાણુ / બેક્ટીરિઆ વડે રોગપ્રતિકારક રસી બનાવવાનો પહેલવહેલો સફળ અખતરો બ્રિટિશ તબીબ એડવર્ડ જેનરે ૧૮મી સદીમાં કર્યો ત્યારથી લઈને આજ દિન સુધીમાં વિષાણુ નિષ્ણાતો શીતળા, પોલિયો, ડિપ્થેરિયા (ઘટસર્પ), કમળો, ધનુર્વા, હડકવા, યલો ફીવર (પીતજ્વર), ગાલપચોળિયાં જેવી બે ડઝન બીમારીની રસી સફળતાપૂર્વક તૈયાર કરી ચૂક્યા છે.
***વિષાણુની રસીઃ લાંબી, કઠિન કસોટી***
રોગપ્રતિકારક રસી બનાવવામાં સંશોધકોને આટલી હથોટી આવી ચૂકી છે તો પછી કોરોનાવાઇરસને નાથી શકતી રસી તૈયાર કરવામાં તેઓ ૧૨થી ૧૮ મહિનાનો સમય શા માટે માગી રહ્યા છે? આ સમયગાળો વધુ પડતો ન ગણાય?
બિલકુલ નહિ. તબીબી સંશોધનો તારીખિયું જોઈને નહિ, બલકે જે તે પ્રયોગોના પરિણામોનું અવલોકન કરીને આગળ વધતાં હોય છે. એકાદ પ્રયોગનું ધાર્યું પરિણામ ન આવે તો સંશોધકોએ નવાં સંયોજનો સાથે નવો નુસખો અજમાવવો પડે—અને તે પણ કારગત નીવડે તેની કશી ગેરન્ટી નહિ. ઘણી વાર સંશોધનની પ્રક્રિયા એટલી લાંબી નીવડે કે રસી બનાવવામાં વર્ષોનાં વર્ષો નીકળી જાય. કેટલાંક ઉદાહરણો તપાસવા જેવાં છે.
■ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફૂટી નીકળેલા સ્પેશિન ફ્લૂના વિષાણુનું ચંગીઝખાની સૈન્ય જગતના કરોડો લોકો પર ફરી વળ્યું, પણ તેને લગામ નાખી શકતી રસીનું ઉત્પાદન છેક ૧૯૪૨માં સંભવ બન્યું હતું. વચગાળાનાં વર્ષો રસીના સંશોધનમાં ખર્ચાઈ ગયાં, જે દરમ્યાન વાઇરસે પાંચ કરોડ લોકોને જગતમાંથી વિદાય આપ્યા પછી પોતે પણ રુખસત લીધી હતી.
■ ફ્લૂનો વાઇરસ બિલકુલ નવા સ્વરૂપે ૧૯પ૭માં ત્રાટક્યો, પણ તેની રસી બની ૨૦૦૭માં—પચાસ વર્ષે!
■ ૧૯૭૦ના દસકામાં િવષાણુ નિષ્ણાતોએ લાગલગાટ ચાર વર્ષ સુધી પસીનો પાડ્યો ત્યારે માંડ ગાલપચોયિળાંના રોગની અસરકારક રસી બની શકી હતી.
■ ૧૯૮૧માં આફ્રિકાથી ઉદ્ભવેલા એચ.આઇ.વી. એઇડ્સના વિષાણુનો ફેલાવો રોગપ્રતિકારક રસી વડે કાબૂમાં લેવાનો પ્રયત્ન ચાર દાયકાથી વણઅટક્યો ચાલે છે અને છતાં આજ દિન સુધી રસીના સર્જનમાં સફળતા મળી નથી. પરિણામ? એઇડ્ઝનો વિષાણુ વર્ષેદહાડે ૭,૭૦,૦૦૦ લોકોનો ભોગ લે છે.
■ પશ્ચિમ આફ્રિકામાં ઇબોલા નામના વાઇરસે ૨૦૧૪માં કેર વર્તાવ્યો હતો. તબીબો પાસે તેનું કોઈ ઓસડ નહોતું. વિષાણુ વિજ્ઞાનીઓ પૂરા પાંચ વર્ષ લેબોરેટરીમાં સંશોધનકાર્ય ચલાવતા રહ્યા ત્યારે માંડ ૨૦૧૯માં ઇબોલાની રસી બની.
■ છેલ્લું ઉદાહરણ ૨૦૧પની સાલમાં માનવજાતના માથે સંકટ બનીને આવેલા ઝિકા વાઇરસનું છે, જેની પણ રસી બનાવવા માટે સંશોધકો પાંચેક વર્ષથી માથાપચ્ચી કરતા આવ્યા છે. છતાં સફળતાનું મોતી કેમેય કરી વીંધાતું નથી.
***કઠિન કસોટીના અભિમન્યુ કોઠા***
આ બધા દાખલા જોતાં કોરોનાવાઇરસની પ્રતિરોધક રસીના સર્જન માટે તજજ્ઞોએ આપેલો મહત્તમ અઢાર મહિનાનો સમયગાળો આંખના પલકારા સમો ગણવો જોઈએ. આજે ભારત સહિત ઘણા દેશોની ફાર્માસ્યુટિકલ કંપનીઓની તથા વિષાણુ સંશોધન કેંદ્રોની કુલ મળીને ૬૩ લેબોરેટરીઓમાં હજારો વૈજ્ઞાનિકો કોરોનાવાઇરસ નામના માયાવી ભૂતની ચોટલી પકડવાના ભગીરથ કાર્યમાં રાઉન્ડ-ધ-ક્લોક પરોવાયેલા છે. રસીના પ્રથમ નમૂનાથી લઈને ફાઇનલ પ્રોડક્ટ તરીકે તેને ગામેગામ પહોંચતી કરવા સુધીમાં અભિમન્યુની જેમ ચક્રવ્યૂહના સાત કોઠા સંશોધકોએ ભેદવા પડે તેમ છે.
(૧) રસીનો પ્રાયોગિક નમૂનોઃ આ કોઠો ભેદવામાં અમુક કલાકોથી લઈ વર્ષો સુધીનો સમય નીકળી શકે છે. ડિસેમ્બર ૩૧, ૨૦૧૯ના રોજ ચીનની વુહાન લેબોરેટરીએ કોરોનાવાઇરસની જિનેટિક સિક્વન્સ (અલંકારિક રીતે કહો તો વાઇરસની જૈવિક જન્મકુંડળી) પ્રસિદ્ધ કરી તેના ૩ કલાકમાં અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ડો. કેટ બ્રોડેરિક નામના મહિલા વિષાણુ નિષ્ણાતે રસીનો પ્રથમ પ્રાયોગિક નમૂનો તૈયાર કરી દીધો હતો. આજ દિન સુધી એવા આશરે ૯૦ નમૂના બની ચૂક્યા છે, પરંતુ વિષાણુ પર એકેય અસરકારક સાબિત થતો નથી.
(૨) મનુષ્યેતર જીવો પર પ્રયોગઃ એકાદ પ્રાયોગિક નમૂનો બની રહે ત્યાર પછી તેને ઉંદર, કેપુચીન અથવા રીસસ વાંદરાના શરીરમાં દાખલ કરવામાં આવે છે. રસીમાં રહેલા મૃતઃપ્રાય વિષાણુ સામે એ મનુષ્યેતર સજીવોનું રોગ પ્રતિકારક તંત્ર કેવોક પ્રતિભાવ દે તેનું બારીકીથી અવલોકન કરવામાં આવે છે.
(૩) મનુષ્ય પર પહેલો પ્રયોગઃ ઉંદર કે વાંદરા પર રસીનો અજમાયશી નમૂનો સફળ રહે તો અને તો જ ૨૦થી ૩૦ મનુષ્યોને રસીનો ડોઝ આપવામાં આવે છે. તબીબો કેટલાક દિવસ તેમના પર બારીકીપૂર્ણ અભ્યાસ કરે છે.
(૪) મનુષ્ય પર બીજો પ્રયોગઃ ત્રીજો કોઠો રખે સફળતાપૂર્વક ભેદી નાખ્યો, તો આગામી તબક્કે વ્યાપક પ્રમાણમાં પરીક્ષણ હાથ ધરવામાં આવે છે. સેંકડો નહિ, હજારો લોકોને રસીના ડોઝ અાપી સંભવિત સાઇડ ઇફેક્ટ્સની ચીવટપૂર્વક જાંચ કરાય છે.
(પ) ઉત્પાદનની મંજૂરીઃ પરીક્ષણના તબીબી િરપોર્ટ દેશના આરોગ્ય ખાતાને પ્રસ્તુત કરી રસીના જથ્થાબંધ ઉત્પાદનની મંજૂરી લેવાની થાય છે.
(૬) જથ્થાબંધ ઉત્પાદનઃ પરીક્ષણના સેંકડો ગળણે ગળાયા પછી રસીને ‘પાસ’નું લેબલ મળે તો અને ત્યારે જ ફાર્મા કંપની વિપુલ માત્રામાં ઉત્પાદન હાથ ધરી શકે છે.
(૭) વૈશ્વિક વિતરણઃ રસી બની રહે, એટલે ‘પહેલો લાભ કોને મળે?’ એ સવાલ ઊભો થયા વિના રહેતો નથી. પરિણામે જે તે દેશની સરકારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની રૂપરેખા અનુસાર રસીનું વિતરણ કરવું રહ્યું.
આ સાતેય તબક્કા વાંચવામાં જેટલા સરળ લાગે છે તેટલા આચરણમાં સહેલા નથી. દરેક કોઠે સંખ્યાબંધ ‘જો’ અને ‘તો’ સાથે દિમાગી કુસ્તી લડવી પડે છે. લડત પાછી એટલી લાંબી હોય કે એ દરમ્યાન ન કરે નારાયણ અને વાઇરસ ગુણવિકાર (મ્યૂટેશન) પામી પોતાનું સ્વરૂપ બદલી નાખે તો કર્યું કારવ્યું પાણીમાં ગયું સમજો. નવેસરથી એકડો ઘૂંટવા તૈયાર રહો! આ બધી આંટીઘૂંટીઓ જોતાં નથી લાગતું કે કોરોનાના અડિયલ વિષાણુ પર રસીરૂપી ધૂંસરી નાખવા માટે સંશોધકોએ માગેલા ૧૮ મહિના નજીવો સમયગાળો છે? આ ટૂંકા સમયગાળામાં કોરોનાવાઇરસની રોગપ્રતિકારક રસી બને તો તેને વૈજ્ઞાનિક ચમત્કાર જ ગણવો રહ્યો.
રસીના અાગમન પછી કોવિડ-૧૯ના નવા, સંભવિત પેશન્ટોની સંખ્યામાં ધરખમ ઘટાડો થવાનો એ નક્કી વાત છે. બીજી તરફ એ પણ સ્પષ્ટ વાત છે કે હાલમાં જેમને કોવિડ-૧૯ લાગુ પડ્યો છે તેમને સાજા થવા માટે રોગપ્રતિકારક રસી કરતાં રોગનિવારક રસીની જરૂરિયાત રહેવાની છે.
દુર્ભાગ્યે હાલ આપણી પાસે બેમાંથી એકેય પ્રકારની રસી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એટલે જ તો કહ્યું છે, ‘કોરોનાવાઇરસ એક કઠોર, નક્કર વાસ્તવિકતા છે. દુનિયાએ તેની સાથે જીવતા શીખવું જ પડશે.’
આશા રાખીએ કે એકાદ વિષાણુ નિષ્ણાત ઉપરોક્ત વિધાનને પડકારવામાં જલદી સફળ બને. નવા વર્ષનું નોબેલ ઇનામ તેની રાહ જોઈ રહ્યું છે. ■
Harshal Pushkarna
Comments
Post a Comment