આયુર્વેદઃ કોરોનાએ ફરી પ્રકાશમાં આણેલી પ્રાચીન ચિકિત્સાપદ્ધતિ
આયુષ મંત્રાલયે કોવિડ-19 સામે સૂચવેલાં આયુર્વેદિક ઓસડિયાંમાં કયાં ઔષધીય ગુણ છે?
ભારતીય ઉપખંડમાં થતી હજારો પ્રકારની ઔષધીય વનસ્પતિઅોનો ઉલ્લેખ ‘ચરકસંહિતા’માં તેમજ ‘સુશ્રુતસંહિતા’માં કરાયો છે. કયા રોગ પર કઈ ઔષધિ કેવી રીતે અજમાવવી તેનો પણ નિર્દેશ તે ગ્રંથોમાં ટુ-ધ-પોઇન્ટ છે.
ત્રણેક દાયકા પહેલાંની વાત છે. તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવે ભારતના અર્થતંત્ર માટે ઉદાર આર્થિક નીતિનું મોડલ અપનાવ્યાને જૂજ વર્ષ વીત્યાં હતાં. કેટલીક પરદેશી કંપનીઓએ ભારતમાં તેમનો કારોબાર શરૂ કરી દીધો હતો; બીજી કેટલીક તૈયારીમાં હતી. વૈશ્વિક બજાર માટે ભારતે દ્વાર ખોલ્યાં તેનાં સારાં પરિણામો આવ્યાં તેમ આડઅસરો પણ જોવા મળી. ઉદાહરણ તરીકે યુરોપ-અમેરિકાની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ હળદર, કડવો લીમડો, હરડે, કુંવારપાઠું (એલો વેરા), સર્પગંધા, બ્રાહ્મી જેવી ઔષધીય વનસ્પતિઓ પર પોતાના પેટન્ટ હક્કો જમાવી દીધા. દવાઓનું મોટા પાયે ઉત્પાદન કરતી એક યુરોપિયન કંપનીએ બ્રાહ્મી નામની વનસ્પતિને પેટન્ટ વડે પોતાની ખાનગી જાગીર જાહેર કરી દીધી.
આ સ્થિતિ ભારત માટે ખતરનાક હતી, કેમ કે હળદરથી લઈને બ્રાહ્મી જેવી ઔષધીય વનસ્પતિઓ પર જેના પેટન્ટ હક્કો હોય તેના સિવાય બીજું કોઈ તેમનો ઉપયોગ કરી શકે નહિ.
આ સ્થિતિ ભારત માટે શરમજનક પણ હતી, કેમ કે હળદર, કડવો લીમડો, હરડે, બ્રાહ્મી જેવી આયુર્વેદિક વનસ્પતિઓના ગુણ તથા તેમના તબીબી ઉપયોગોની જાણકારી ભારતે આયુર્વેદ થકી જગતને આપી હતી. હવે એ જ જાણકારીનો ઉપયોગ કરીને પરદેશી ફાર્મા કંપનીઓ જથ્થાબંધ દવા બનાવે એટલું જ નહિ, ભારતના બજારમાં તેને વેચવા મૂકે તો એ ઘટનાને ટ્રેજિક ગણવી યા કોમિક? કે પછી બન્ને?
પરંતુ ભલું થાય તત્કાલીન સરકારનું કે પરદેશી ફાર્મા કંપનીઓ સામે કાનૂની જંગ છેડીને અણીના મોકે દેશની આબરૂ બચાવી લીધી. અદાલતી ખટલો દસ વર્ષ ચાલ્યો—અને તેને ચાલુ રાખવામાં આપણને પ૦,૦૦,૦૦૦ ડોલરનો માતબર ખર્ચ પણ થયો. પરંતુ આખરે નાણાં ઊગી નીકળ્યાં. વિદેશી ફાર્મા કંપનીઓએ ભારતીય જડીબુટ્ટીઓ પર માંડેલા એકહથ્થુ પેટન્ટ હક્કોને અદાલતે ગેરમાન્ય ઠરાવ્યા.
આજે સ્થિતિ શી છે? કંઈક આવીઃ હળદર, કડવો લીમડો, હરડે, સર્પગંધા, બ્રાહ્મી જેવી ભારતીય જડીબુટ્ટીઓના ઔષધીય ગુણો પામી ચૂકેલી પરદેશી દવા ઉત્પાદક કંપનીઓ આજે તે ગુણોના આધારે વિવિધ કિસમની ઔષધો બનાવીને ધૂમ કમાણી કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાતી એક દવાનું નામ Serpentina/ સર્પેન્ટિના છે. હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટનું રક્તદાબ તે દવા કાબૂમાં રાખે છે. સર્પેન્ટિનાનું મૂળ અને મુખ્ય ઔષધીય ઘટક સર્પગંધા છે, જેના તબીબી ગુણધર્મો આજથી હજારો વર્ષ પહેલાં આપણા આયુર્વેદાચાર્યોએ શોધી કાઢ્યા હતા.
બીજું ઉદાહરણઃ અનેક દેશોમાં Bacopa/ બાકોપા નામ હેઠળ યાદશક્તિ વધારવાની દવાનું ધૂમ વેચાણ થાય છે. આલ્ઝાઇમર્સના દરદીઓ માટે બાકોપા લાભદાયી સાબિત થતી હોવાનું સાબિત થયું છે. આ દવા બને છે શેમાંથી? બ્રાહ્મી નામની ઔષધીય વનસ્પતિમાંથી, જેનો પણ આયુર્વેદમાં ઉલ્લેખ છે.
જીવનને જાણવાનું વિજ્ઞાન એટલે આયુર્વેદ
આયુર્વેદ જગતનું સૌથી પ્રાચીન તબીબીવિજ્ઞાન છે, જેનું પ્રાગટ્ય લગભગ ૮,૦૦૦ વર્ષ પહેલાં વેદકાળમાં થયું હોવાનું કહેવાય છે. પુરાણકથા અનુસાર સૃષ્ટિના સર્જક બ્રહ્માજી જ્યારે મૃત્યુલોકમાં અનેક વ્યાધિઓથી પીડાતા માનવીનું દુઃખ જોઈને વ્યથિત થયા ત્યારે તેમણે પોતાના માનસપુત્ર દક્ષને આયુર્વિજ્ઞાનનું મૌખિક જ્ઞાન આપ્યું. દક્ષે તે જ્ઞાન સૂર્યપુત્ર અશ્વિનીકુમારોને કહી સંભળાવ્યું અને તેમણે ધન્વંતરી તથા ભારદ્વાજ નામના ઋષિઓ મારફત આયુર્વેદને મૃત્યુલોક સુધી પહોંચાડ્યું.
પુરાણકથાના પુરાવા હોય નહિ, એટલે તેની વાત અહીં પૂરતી બાજુએ મૂકી નક્કર તથ્યોને ચર્ચાના ફોકસમાં રાખીએ. આ પ્રાચીન તબીબીવિજ્ઞાન સમજાવતો સૌથી પ્રાચીન ગ્રંથ આયુર્વેદાચાર્ય ચરકે ઈ.સ. પૂર્વે ૧૫૦૦માં સંકલિત કરેલો ‘ચરકસંહિતા’ છે. માનવશરીરની જૈવિક રચનાનું અત્યંત બારીકીભર્યું વિવરણ ચરકે તેમાં સંસ્કૃતના શ્લોકરૂપે કર્યું છે. શરીરને લાગુ પડતા રોગો વિશે તથા તેમના ઉપચારો વિશે પણ ‘ચરકસંહિતા’માં વિવરણ છે. માનો યા ન માનો જેવી લાગે તેવી વાત કે આજે દુનિયાના કરોડો લોકોને પરેશાન કરતી મધુપ્રમેહ તેમજ સંધિવા જેવી વ્યાધિઅોનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘ચરકસંહિતા’માં મળે છે.
સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં ભારતભૂમિ પર થયેલા મહર્ષિ સુશ્રુત જગતના સૌ પહેલા સર્જન એટલે કે શલ્યચિકિત્સક હતા. સુશ્રુતે લખેલા ‘સુશ્રુતસંહિતા’ ગ્રંથમાં વિવિધ સર્જરી (જેમ કે સારણગાંઠ, આંખનો મોતિયો, પ્લાસ્ટિક સર્જરી) વિશે ઊંડાણપૂર્વક વિવરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં હાડકાં, સાંધા, જ્ઞાનતંતુઅો, હૃદય, રક્તવાહિનીઅો તેમજ તેમાં થતું રુધિરાભિસરણ વગેરેનું બારીકીભર્યું વિવરણ છે. આંખને લગતી કુલ ૨૨ જાતની તકલીફોનો અને તેમના ઉપચારોનો ઉલ્લેખ ‘સુશ્રુતસંહિતા’માં જોવા મળે છે. વિવિધ આકારના (શલાકયા) અોજારો વડે મોતિયાનું અોપરેશન કરનાર જગતના પહેલવહેલા તબીબ હોય તો એ સુશ્રુત! ઉપરાંત કાન, નાક, ગળાને લગતી તકલીફોનો ઉપાય સૂચવવામાં પણ સુશ્રુત પહેલા હતા. અકસ્માતે અથવા તો રણભૂમિમાં તૂટેલા નાક અને કાન જેવા અંગોને પ્લાસ્ટિક સર્જરી વડે ફરી સાજાસમાં બનાવી દેવામાં સુશ્રુતની પારંગતતા હતી.
આયુર્વેદ કેમ ભુલાઈ ગયું?
મહર્ષિ ચરકે તથા મહર્ષિ સુશ્રુતે આયુર્વેદ વિશેનું જે જ્ઞાન ગ્રંથસ્થ કર્યું તેના આધારે ઈ.સ. ૨જી સદીમાં મૂળ આંધ્ર પ્રદેશના રહેવાસી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર નાગાર્જુને રસશાસ્ત્ર (રસાયણોના તબીબી ઉપયોગનું શાસ્ત્ર) તૈયાર કર્યું. સીસું, પારો અને સલ્ફર જેવા ભારે તત્ત્વોનો પ્રમાણસર ઉપયોગ કરી તેમને ઔષધીય ઉપયોગમાં શી રીતે લેવા તેનું જ્ઞાન નાગાર્જુને રસશાસ્ત્ર વડે આપ્યું. બૌદ્ધ ધર્મના પ્રચારકો મારફત આયુર્વેદ સૌ પહેલાં તિબેટ, ત્યાંથી ચીન અને છેવટે ગ્રીસ, રોમ અને પર્શિયા જેવા પશ્ચિમી દેશો સુધી ફેલાયું. વખત જતાં એ દેશોના વિદ્યાર્થીઅો આયુર્વેદનો અભ્યાસ કરવા તક્ષશિલા, નાલન્દા, ઉજ્જૈન, મિથિલા અને વારાણસીનાં ઉચ્ચ વિદ્યાલયોમાં આવવા લાગ્યા. આઠમી સદી સુધીમાં તો ભારતના આયુર્વેદની ખ્યાતિ એટલી ફેલાઈ ચૂકી હતી કે આપણા વૈધરાજાને બગદાદ (ઇરાક)ના તબીબી સારવાર કેંદ્રોમાં તેડાવવામાં આવતા હતા.
ઓગણીસમી સદી લગી ભારતમાં આયુર્વેદનો સુવર્ણકાળ રહ્યો. પરંતુ મોડર્ન મેડિકલ સાયન્સને પાંખો ફૂટવા લાગી અને અંગ્રેજો મારફત પશ્ચિમનું તબીબીવિજ્ઞાનની બ્રિટિશહિંદમાં આવ્યું ત્યાર પછી સ્થિતિમાં બદલાવ આવ્યો. પ્રાચીન આયુર્વેદના મુકાબલે અર્વાચીન મેડિકલ સાયન્સ રોગ પર ત્વરિત અસર જન્માવતું હતું, એટલે ઝડપભેર સ્વીકૃતિ પામવા લાગ્યું. વીસમી સદીના ઉત્તરાર્ધ પછી તો પશ્ચિમી તબીબીવિજ્ઞાને એટલી અસાધારણ પ્રગતિ સાધી કે આયુર્વેદ સાવ બેકગ્રાઉન્ડમાં સરી ગયું.
હવે પાછું કેમ યાદ કરાયું?
આજે કોવિડ-૧૯ સામે લડત આપવામાં મોડર્ન મેડિકલ સાયન્સની મર્યાદા આવી છે ત્યારે ભારત સરકારના આયુષ મંત્રાલયે ભુલાયેલા આયુર્વેદને યાદ કર્યું છે. ગળો, અશ્વગંધા, જેઠીમધ તથા તુલસી જેવી આયુર્વેદિક જડીબુટ્ટીઓ કોવિડ-૧૯ના દરદીઓ પર અજમાવવાના તબીબી પ્રયોગોને આયુષ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. તુલસી, ગળો, અશ્વગંધા તથા જેઠીમધમાં કયા ઔષધીય ગુણો છે જે કોવિડ-૧૯ના દરદીને રાહત આપી શકે? તુલસી તો જાણે કફ-પિત્ત શામક હોવાનું સૌ જાણે છે, એટલે અન્ય ત્રણ ઔષધીની વાત કરીએ.
■ ગળોઃ વનસ્પતિશાસ્ત્રમાં ગળોનાં ગિલોય, ગડૂચી, ગુંળવેલ, ગરુડવેલ, ગુલંચ જેવાં નામો છે. સંસ્કૃતમાં તેને ‘અમૃતા’ તરીકે ઓળખવામાં આવે છે—અને તાવ, રક્તવિકાર, કમળો, મધુપ્રમેહ (ડાયાબિટીસ), ખાંસી, કફ, કોઢ, કૃમિ, ખરજવું, મેદ (ઓબેસિટી), દાહ (એસિડીટી), ઊલટી, શ્વાસની તકલીફ, હરસમસા જેવી અનેકવિધ વ્યાધિઓનું શમન તેમજ નિવારણ કરવાનો ગળોમાં રહેલો ગુણ જોતાં તેને અમૃત ગણો તો ખોટું પણ નથી. બાય ધ વે, આયુર્વેદમાં ગળોના નહિ નહિ તોય પ૪ ઉપયોગ સૂચવવામાં આવ્યા છે, જેમાંનો એક સર્પદંશથી શરીરમાં ફેલાયેલા વિષના મારણ તરીકેનો પણ ખરો!
સામાન્ય રીતે બે નોખી શારીરિક સમસ્યા પર એક જ ઔષધ કામમાં ન આવે. ગળો તેમાં અપવાદ છે. અટકી અટકીને પેશાબ થવાની મૂત્રકૃચ્છ્ર નામની વ્યાધિના દરદી માટે ગળો ‘વોટ અ રિલીફ’ સાબિત થાય છે. બીજી તરફ દર થોડી થોડી વારે પેશાબ માટે જેણે જવું પડતું હોય તેવા પેશન્ટના ‘આંટાફેરા’ ગળો ઘટાડી આપે છે. દવા એક, પણ ઇલાજ બે—અને પાછાં બન્ને એકમેકથી વેગળા! આને તબીબી ચમત્કાર જ ગણવો રહ્યો.
કોવિડ-૧૯ના દરદીએ કફ, ખાંસી, શ્વાસની તકલીફ, ફેફસાંમાં સોજો, તાવ, અશક્તિ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ગળો એ તમામને વધુઓછા અંશે કાબૂમાં રાખવામાં મદદરૂપ બને છે. ગળોમાં રહેલા આલ્કલોઇડ્સ (ક્ષારાદ અથવા નાઇટ્રોજન સંયોજિત દ્રવ્ય) એન્ટિ-વાઇરલનું કામ આપી વિષાણુનો ચેપ અટકાવે છે. શરીરમાં કોરોના જેવા વિષાણુનો પ્રવેશ થાય ત્યારે મેક્રોફેજ તરીકે ઓળખાતા કોષોનું લશ્કર વિષાણુને ભરખી જવા ધસી જાય છે. મેક્રોફેજ કોષોનું ઉત્પાદન હાડકાંની મજ્જામાં (બોન મેરોમાં) થાય—અને ગળોનું ગ્લાઇકોસાઇડ તે ઉત્પાદન વધારવામાં સહાયભૂત બને છે. મેક્રોફેજ જેટલાં વધુ, વિષાણુનો ખાતમો એટલો વ્યાપક એ તો બટ નેચરલ છે.
■ અશ્વગંધા અથવા આસુંદઃ આ આયુર્વેદિક ઔષધીના છોડ પશ્ચિમ ઘાટમાં (નાસિક વિસ્તારમાં) વિશેષ જોવા મળે છે. નવાઈની વાત કે અશ્વગંધાના છોડ નજીક જતાં ઘોડાના શરીરમાંથી આવે તેવી ગંધનો અનુભવ થાય છે. કદાચ એટલે જ છોડનું નામકરણ અશ્વગંધા થયું હશે.
અશ્વગંધાનાં મૂળિયાંમાં ઔષધીય ગુણ છે. જેમ કે, અશ્વગંધાનું સેવન શરીરમાં અશ્વ જેવી શક્તિનો સંચાર કરે છે. માનવશરીરમાં ૩૦,૦૦૦ અબજ કોષોને જીવંત રહેવા માટે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ/ ATP ઊર્જાનો ખપ પડે. ઊર્જા ક્યારે અને કેટલી માત્રામાં મળે તેનો આધાર માઇટીકોન્ડ્રિયલ નામના પ્રોટીન પર છે, જેનું કામ શરીરને મળેલી ખોરાકરૂપી કેલરીનું ATPમાં રૂપાંતરણનું છે. અશ્વગંધા માઇટીકોન્ડ્રિયલની કાર્યક્ષમતા વધારે છે, એટલે તે પ્રોટીન નોર્મલ કરતાં જરા વધુ ATP િરલીઝ કરી શરીરને જોમ-શક્તિનો બૂસ્ટર ડોઝ આપે છે. આ ચમત્કારિક ગુણને કારણે આયુર્વેદે અશ્વગંધાને ‘મહાઔષધ’નો ખિતાબ આપ્યો છે. કોવિડ-૧૯ના દરદીની શારીરિક શક્તિ નબળી પડી જતી હોય એ સંજોગોમાં અશ્વગંધા તેના માટે ઊર્જાનું પાવરહાઉસ સાબિત થઈ શકે છે. ઊંચું રક્તદાબ, મધુપ્રમેહ, ચિંતા, સ્નાયુના સોજો તેમજ દુખાવો જેવી તકલીફોના નિવારણમાં પણ અશ્વગંધા ઉપયોગી હોવાનું જણાયું છે.
■ યષ્ઠિમધુ અથવા જેઠીમધઃ ગળાનો સોજો, ખાંસી તથા કફ પર જેઠીમધ અકસીર દવા છે. કોવિડ-૧૯ની નઠારી અસર સૌ પહેલાં શ્વસનતંત્ર પર થાય, કેમ કે નાક તથા મુખ વાટે પ્રવેશેલા કોરોના વિષાણુ ત્યાં અડ્ડો જમાવતા હોય છે. ગળાના તેમજ શ્વાસનળીની આંતરત્વચાના સ્નાયુકોષોમાં વિષાણુ તોડફોડ મચાવે, એટલે ત્યાં બળતરા થાય. જેઠીમધમાં રહેલું ગ્લિસરીઝીન નામનું તત્ત્વ બળતરાનું શમન કરે છે એટલું જ નહિ, પણ ફેફસાંમાં ભરાયેલા ઘટ્ટ, ચીકણા કફને પાતળો કરી તેને બહાર કાઢવામાં સહાયભૂત બને છે.
શરીરને વાઇરસનો ચેપ લાગે ત્યારે રોગપ્રતિકારક તંત્ર ટી-સેલ્સ પ્રકારનાં કોષો ઉત્પન્ન કરે એ જાણીતી વાત છે. આ કોષો દ્વારા બનતું ઇન્ટરફેરોન દ્રવ્ય વિષાણુ નાશક છે. જેઠીમધનું ગ્લિસરીઝીન ટી-સેલ્સ કોષોને ઇન્ટરફેરોનનું પ્રોડક્શન વધારવા માટે ઉત્તેજિત કરે છે. કોવિડ-૧૯ના કેટલાક દરદીઓના યકૃત (લીવર) પર વિષાણુની નઠારી અસરો જોવા મળી છે. આવા કેસમાં જેઠીમધનું ફ્લેવોનાઇડ્ઝ સત્વ યકૃતની આંતરિક દીવાલને સુરક્ષિત રાખવાની ક્ષમતા ધરાવે છે. યષ્ટિમધુક, કલિતક, કલિતન, મધૂલિકા, મધુવલ્લી, મધુયષ્ટિ જેવાં વિવિધ નામે ઓળખાતા જેઠીમધના બીજા તો ઘણા તબીબી ઉપયોગ છે.
બીજાની વસ્તુ ચડિયાતી લાગવી એ માનવ પ્રકૃતિ છે. ગુજરાતી ભાષામાં એ માટે સરસ રૂઢિપ્રયોગ છેઃ ‘પારકે ભાણે મોટો લાડવો’. અંગ્રેજીમાં The grass is always greener on the other side of the fence વાક્ય છે. અર્થાત્ પોતાના ઘરઆંગણે બગીચાનું ઘાસ ગમે તેટલું સુંદર હોય તો પણ પડોશીના ગાર્ડનનું ઘાસ વધુ લીલુંછમ લાગે. આને નજરની નહિ, દૃષ્ટિની મર્યાદા કહેવી જોઈએ. બેઉમાં ઘણો તફાવત છે. નજરને આંખોનો સંબંધ, તો દૃષ્ટિને વિચારોનો, તર્કનો, વિશ્લેષણનો! The grass is greener... વાળા રૂઢિપ્રયોગના સંદર્ભે કહીએ તો આધુનિક મેડિકલ સાયન્સને આપણે બાજુવાળાના બગીચાનું ઘાસ સમજી બેઠા છીએ, એટલે તે વધુ સોહામણું લાગે છે. માન્યું કે ઘણે અંશે સોહામણું છે પણ ખરું, પરંતુ દૃષ્ટિહીન બની આપણા બગીચાનું ઘાસ શું મૂળ સોતું ઉખેડી દેવાનું? ■
Comments
Post a Comment