આપણા અર્થતંત્રને ચીપકેલું Made In China લેબલ ક્યારે ઊખડશે?
દેશને મહામારીમાં અને મહામંદીમાં ધકેલી દેનાર ચીનનાં ગજવાં ક્યાં સુધી ભરતા રહીશું?
વીસેક વર્ષ પહેલાં ભારતમાં ચીની માલનું આક્રમણ રમકડાં અને નોવેલ્ટી ગિફ્ટ જેવી પરચૂરણ ચીજો પૂરતું જ સીમિત હતું. આજે Made in China માલ વિનાનું એકેય ક્ષેત્ર કલ્પી શકાય તેમ નથી.
બનાવ વરસદહાડા પહેલાંનો છે, પણ આજની તારીખે એટલો જ તાદૃશ છે.
૨૦૧૯નું વર્ષ હતું. મહિનો માર્ચ અને તારીખ ૧૩મી હતી. પાક પ્રેરિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહમ્મદના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને ‘ગ્લોબલ ટેરરિસ્ટ’ જાહેર કરવા માટે ભારતે સંયુક્ત રાષ્ટ્ર/ UNની સુરક્ષા પરિષદને કરેલી અરજ પર ફેંસલો આવનાર હતો. જગત જમાદાર અમેરિકા સહિત બીજા કેટલાક વગદાર દેશો ભારતની અરજને સમર્થન આપવા કટિબદ્ધ હતા. પરંતુ અણીના મોકે ચીને એમ કહીને રાજકીય ફાચર મારી કે મસૂદ અઝહર વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા ન હોવાથી UN તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી ન શકે.
ચીન આડે પાટે ચાલે તેનું કારણ તો જગજાહેર હતું. બીજિંગ સરકારે પાકિસ્તાનને પોતાના ખોળે રાખ્યું હોવાથી પાકિસ્તાનના ખોળે બેઠેલા મસૂદ અઝહર જેવા આતંકીઓને ચીને દત્તક લેવા પડ્યા હતા. આથી મસૂદ અઝહરને ‘ગ્લોબલ ટેરરિસ્ટ’ જાહેર કરવાના મુદ્દે UNની સુરક્ષા પરિષદમાં જ્યારે પણ ચર્ચાનો ઊભરાે ચડે ત્યારે ચીની ડ્રેગન ફૂંફાડો મારી તેને બેસાડી દેવાનો પ્રયત્ન કરે. અગાઉ ચારેક વખત એવું બની ચૂક્યું હતું.
માર્ચ ૧૩, ૨૦૧૯માં પાંચમી વાર એ જ ઘટનાનું પુનરાવર્તન થયું ત્યારે ભારતમાં ચીન સામે આક્રોશનો જુવાળ ફૂટી નીકળ્યો. ઇન્ડિયન એરલાઇન્સના IC814 વિમાનના હાઈજેકિંગ પાછળ તેમજ સંસદ ભવન, મુંબઈ, પઠાણકોટ એર બેઝ, કાશ્મીરના પુલવામા જેવાં સ્થળો પર આતંકવાદી હુમલા કરાવવા પાછળ મસૂદ અઝહરનું શૈતાની દિમાગ હતું. ભારતના શત્રુ નં.૧ને દગાબાજ બીજિંગ સરકાર રાજકીય છત્ર પૂરું પાડે એ તો કેમ સાંખી લેવાય? પરિણામે ભારતની ક્રોધિત જનતાએ ચીનની Made in China બ્રાન્ડની ચીજવસ્તુઓના બહિષ્કાર કરવાની અપીલ કરતા સંદેશા સોશ્યલ મીડિઆમાં ફરતા કર્યા. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ નામના વ્યાપારી સંગઠને તો ‘જો હમારે દેશ કે સાથ નહીં, વો હમારે સાથ નહીં’ એવા સ્લોગન સાથે ચીની માલના બહિષ્કારની હાકલ કરી. સંગઠનના વેપારીઓએ હાકલ ઝીલી દેશભરમાં ૧,પ૦૦ સ્થળોએ ચીની પ્રોડક્ટ્સની હોળી પ્રગટાવી.
આ પ્રયાસો નિઃસંદેહ આવકારદાયક હતા તેમ વખાણવાલાયક પણ હતા, કારણ કે તેમાં સરેરાશ દેશવાસીની ખુમારી અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થતા હતા. દુર્ભાગ્યે એ અભિવ્યક્તિનો જુવાળ થોડા દિવસમાં શમી ગયો. લોકોની લાગણીમાં રતીભાર ખોટ નહોતી. બલકે, એક કડવી વાસ્તવિકતાએ ચીની માલના બહિષ્કારની ઝુંબેશ પર ઠંડું પાણી ફેરવી દીધું હતું. આ રહી તે વાસ્તવિકતા, જે માર્ચ, ૨૦૧૯માં હતી તેટલી આજે પણ સુસંગત છેઃ
ચીની બનાવટની ચીજવસ્તુએ ભારતના ઔદ્યોગિક ક્ષેત્રોમાં તેમજ બજારોમાં એટલે ઊંડે સુધી પસારો કરી દીધો છે કે Made in China ન હોય તેવી ચીજો વિના ભારતીયોના ધંધા-રોજગાર તો ઠીક, દૈનિક જીવન પણ કદાચ રંગેચંગે ચાલે નહિ.
*** આમ થયું અર્થતંત્ર પર ચીની આક્રમણ ***
આજથી વીસેક વર્ષ પહેલાં પરિસ્થિતિ આટલી હદે વકરેલી ન હતી. આપણા દેશમાં ચીની માલનું આક્રમણ રમકડાં અને નોવેલ્ટી ગિફ્ટ જેવી પરચૂરણ ચીજો પૂરતું જ સીમિત હતું. પરંતુ ત્યાર પછીનાં વર્ષોમાં ચીનની એક પછી એક કંપનીઓ ભારતમાં ધીમી, પણ નિશ્ચિત ઘૂસણખોરી મચાવવા લાગી અને આપણા ગૃહ ઉદ્યોગોને તેમજ ઔદ્યોગિક એકમોને સેબોટાજ કરવા લાગી. કેટલીક ચોંકાવનારી હકીકતો જાણવા જેવી છે.
■ અમેરિકાની પ્રખ્યાત IBM કંપનીએ ૧૯૮૧માં જગતનું સૌપ્રથમ પર્સનલ કમ્પ્યૂટર બનાવ્યું હતું. કમ્પ્યૂટર ઉત્પાદનના ક્ષેત્રે વર્ષો સુધી IBMનો ડંકો જગતભરમાં બજતો રહ્યો. પરંતુ ૨૦૦પમાં ચીને એ બિઝનેસ IBM પાસેથી ખરીદી લીધો. કંપનીનું મૂળ નામ બદલીને લેનોવો કરી દેવામાં આવ્યું અને તે નામે ભારતમાં પર્સનલ કમ્પ્યૂટર્સ તથા લેપટોપ વેચાવા લાગ્યાં. એક વર્ષના નજીવા સમયગાળામાં ચીને લેનોવો વડે ભારતનું ૭.૬ ટકા કમ્પ્યૂટર માર્કેટ સર કરી લીધું. પાંચ વર્ષ પછી આંકડો ૧પ.૮ ટકે પહોંચ્યો અને આજે ભારતના પર્સનલ કમ્પ્યૂટર બજારનો ૨પ ટકા હિસ્સો ચીને લેનોવો વડે હસ્તગત કરી નાખ્યો છે. કહેવાની જરૂર ખરી કે લેનોવોના બુલડોઝર નીચે ભારતની ઘણી પર્સનલ કમ્પ્યૂટર ઉત્પાદક કંપનીઓ કચડાઈ ગઈ?
■ તામિલ નાડુના શિવાકાશી ગામમાં એક સમયે ૧,૧૦૦ ગૃહ એકમોમાં ૮,૦૦,૦૦૦ લોકો અવનવાં ફટાકડા બનાવવાના કાર્યમાં જોતરાયેલા હતા. ચીનના સસ્તા આયાતી ફટાકડાએ તેમાંનાં મોટા ભાગનાં એકમોને તાળું મરાવી દીધું છે.
■ બાર-પંદર વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં ઘરઘરાઉ ધોરણે રબ્બર બેન્ડ બનાવતાં ૨૦૦થી વધુ એકમો હતાં, જેમાં કામ કરતી મહિલાઓને રોજી મળી રહેતી. આ એકમો કિલોદીઠ ૩૦૦ રૂપિયાના ભાવે રબ્બર બેન્ડ વેચતાં હતાં. એક કિલોમાં સારી ગુણવત્તાના ૭,૦૦૦ નંગ રબ્બર બેન્ડ આપવામાં આવતાં. ચીની ઉત્પાદકો ગુણવત્તાની ઐસીતૈસી કરીને ભારતમાં ૨૦૦ રૂપિયે કિલોના ભાવમાં ૧૦,૦૦૦ નંગ રબ્બર બેન્ડ પધરાવવા લાગ્યા. ભાવ ઉપરાંત સંખ્યાના તફાવતને કેમેય કરી ન પહોંચી વળનાર દક્ષિણ ભારતનાં ગૃહ એકમો જોતજોતામાં બંધ થવા લાગ્યાં. અસંખ્ય મહિલાઓએ રોજીરોટી ગુમાવી દીધી.
■ ૨૦૧પમાં ચીની મોબાઇલ શાઓમીની ભારતમાં પધરામણી થઈ હતી. ઉમદા ડિસ્પ્લે, ફિનિશિંગ, કેમેરા, ઝડપી પ્રોસેસર અને કિફાયતી દામ શાઓમીની ખૂબી હોવાથી ભારતના અસંખ્ય લોકોએ તે મોબાઇલ ફોન અપનાવ્યો. પરિણામ? આજે ભારતના મોબાઇલ ફોન માર્કેટનો ૨૮ ટકા હિસ્સો શાઓમીના ખિસ્સામાં આવી ચૂક્યો છે. શાઓમી ઉપરાંત વીવો, ઓપો, ઓનર (હુઆવે) જેવી ચીની કંપનીઓને પણ ગણતરીમાં લો તો હિસ્સાનો આંકડો પચાસ ટકા કરતાંય સહેજ વધુ બેસે.
■ ભારતમાં અવનવી ચીજવસ્તુઓનો પેસારો કરીને આપણા સંખ્યાબંધ ઉદ્યોગોને તાળાં મરાવી ચૂકેલા ચાલબાજ ચીને કેટલાંક વર્ષથી સ્વદેશી કંપનીઓમાં રોકાણના નામે પેસારો શરૂ કર્યો છે. આજે આપણે ત્યાંની લગભગ ૯૨ સ્ટાર્ટ-અપ કંપનીઓમાં ચીનની અલીબાબા, ટેન સેન્ટ અને બાઇટડાન્સ જેવાં સુપર જાયન્ટ બિઝનેસ એકમોએ નાણાં રોક્યાં છે. ફ્લિપકાર્ટ, સ્પેનડીલ, મેક માય ટ્રિપ, પેટીએમ, બિગ બાસ્કેટ, બૈજુ લર્નિંગ એપ, ઝોમેટો, સ્વીગી જેવાં બીજાં તો અનેક ભારતીય એકમોમાં ચીને મોટું આર્થિક રોકાણ કર્યું છે. માર્ચ, ૨૦૨૦માં પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ ભારતની એચ.ડી.એફ.સી.ના પોણા બે કરોડ શેર ખરીદી લીધા હતા. કહેવાનું તાત્પર્ય એ કે ભારતની ખાનગી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચીન પોતાની આર્થિક વગ આસ્તે આસ્તે વધારી રહ્યું છે. નક્કર આંકડા આપીને વાત કરીએ તો ૨૦૧૪માં ચીનની ખાનગી કંપનીઓએ આપણે ત્યાં ૧.૪ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. ત્રણ વર્ષ પછી આંકડો ૮ અબજ ડોલરને પાર કરી ગયો. હવે ૨૬ અબજ ડોલરની નજીક પહોંચ્યો હોવાનું કહેવાય છે.
■ આયાત-નિકાસ વેપારના તાજા આંકડા મુજબ આપણો દેશ ચીન પાસેથી વર્ષે ૭૨.૮ અબજ ડોલરના મૂલ્યની ચીજવસ્તુઓ આયાત કરે છે. આયાતી માલમાં મુખ્યત્વે મોબાઇલ ફોન, ટેલિવિઝન, એર કન્ડિશનર્સ, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર્સ, સરકીટ બોર્ડ, માઇક્રોચિપ જેવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ, ડેસ્ક ટોપ કમ્પ્યૂટર, પ્રિન્ટર, મોડેમ, લેપટોપ, સોલાર સેલ, ફર્ટિલાઇઝર, સંદેશાવ્યવહારનાં ઉપકરણો, મશીનરી, બોલબેરિંગ, સ્પ્રિંગ, લોખંડ અને પોલાદ, પ્લાસ્ટિક, ફર્નિચર, લાઇટ ફિક્સ્ચર્સ, તબીબી સાધનો, ઓટોમોબાઇલ પાર્ટ્સ, ટાઇલ્સ અને સેનિટરી જેવી સિરામિક આઇટમ્સ, કિમતી રત્નો, ખનિજ તેલ, ઔષધીય તત્ત્વો વગેરેનો સમાવેશ થાય છે.
આની સામે આપણે ચીનને નિકાસના નામે શું વેચીએ છીએ? આ રહ્યું ટૂંકું લિસ્ટ: કાચું લોખંડ, તેલીબિયાં, મીઠું, રબ્બર, કોટન, તાંબું, વનસ્પતિ તેમજ પ્રાણીજ ચરબી, સિમેન્ટ વગેરે. આ તમામ આઇટમોનું ચીનના ખાતે ફાટતું વાર્ષિક નિકાસબિલ ફક્ત ૧૭.પ અબજ ડોલર છે. આયાત-નિકાસ વચ્ચે ચીજવસ્તુના પ્રકારનો તેમજ આર્થિક મૂલ્યનો આંકડાકીય તફાવત માર્ક કરો.
આ બધા મુદ્દાનો સારાંશ એ કે વર્ષો પહેલાં યુરોપ-અમેરિકાએ પોતાના ઉદ્યોગધંધા ચીનના હવાલે કરી દેવાની જે ભૂલ કરી તેને આપણે જાણ્યે અજાણ્યે અનુસરી રહ્યા છીએ. દેશના પોણોસો જેટલા ઔદ્યોગિક ક્ષેત્રોનું ભાવિ તો ચીન ડામાડોળ કરી ચૂક્યું છે.
*** ચીની આક્રમણનું કારણ શું? ***
કારણ બીજિંગ સરકારે ઘડેલી ઔદ્યોગિક નીતિઓ છે. ચીન પોતાના દરેક માલને એટલા માટે સસ્તો બનાવી શકે છે કે નિકાસી માલ પૂરતો વીજળીનો દર, કારીગરોની મજૂરી, રેલવે તેના ખટારાનું નૂર વગેરે બધામાં સરકારે પુષ્કળ રાહત આપી છે. આજની તારીખે અમેરિકામાં કારીગરોને કલાકદીઠ ૭.૨પ ડોલરનું મહેનતાણું ચૂકવવામાં આવે છે. ભારતમાં સરેરાશ પ.૨પ ડોલરનો દર છે. ચીનમાં ન્યૂનતમ મહેનતાણાનો દર કેટલો હોવાનો ધારો છો? ફક્ત ૨.૦૦ ડોલર! ચીનમાં લોકશાહી જેવું કશું નથી, એટલે જેલના કેદીઅોને તો મહેનતાણાનો લાભ આપ્યા વગર કામે લગાડી દેવાય છે. પાટનગર બીજિંગ નજીક માત્ર કેદીઅો વડે કાર્યરત રહેતાં ૫૩ ઔદ્યોગિક ઝોન છે.
આનું પરિણામ એ આવ્યું કે ચીની ઉત્પાદકો ૨પથી ૩૦ ટકા નીચા દરે પોતાનો માલ જગતભરમાં ઠાલવવા લાગ્યા. એક ઉદાહરણ જુઓઃ આપણે ત્યાં લાર્સન એન્ડ ટુબ્રો તથા ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ જેવી કંપની વિદ્યુત મથકોમાં વપરાતી હેવી મશીનરી બનાવે છે. પરંતુ ‘ફોર્ચ્યુન ઇન્ડિયા’ના એક િરપોર્ટ અનુસાર ભારતના ઘણાં વિદ્યુત મથકો અત્યારે ચીની બનાવટની મશીનરી પર ધમધમી રહ્યાં છે. કારણ? સ્વદેશી કરતાં ચીનની આયાતી મશીનરી ૨પ ટકા સસ્તી પડે છે.
બાય ધ વે, ૨૦૧૦ સુધીમાં ભારત વિદ્યુત મથકો માટે ચીન પાસેથી ૧,૦૦,૦૦૦ કરોડના મૂલ્યની હેવી મશીનરી આયાત કરી ચૂક્યું છે. ૨૦૧૦ પછીનાં વર્ષોનો હિસાબ જુદો ગણવાનો.
*** —અને આક્રમણનું મારણ શું? ***
સસ્તા વેતનના પ્રલોભનમાં અમેરિકા-યુરોપે અનેકવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન ચીનને સોંપી દીધું. ભૂતકાળમાં કરેલી એ ભૂલની સજા આજે ત્યાંની સરકારો તેમજ પ્રજા ભોગવે છે. Made in China માલ વડે ચીન સૌના અર્થતંત્રોને જોરદાર ફટકા મારી રહ્યું છે. તાજેતરમાં કોરોનાવાઇરસ થકી ચીને મારેલું ગડદાપાટુ તો યુરોપ-અમેેરિકા માટે ઊંટની કાંધે છેલ્લું તણખલું સાબિત થયું છે. સંખ્યાબંધ કંપનીઓએ પોતાનો કારોબાર ચીનમાંથી સમેટવા માંડ્યો છે.
આમાંથી આપણે ધડો લેવા જેવો છે. ચીનના આયાતી માલ પર જકાત વધારી દેવા માટે તથા ઘરઆંગણે ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપી ઘરેલુ ઉત્પાદન અનેકગણું વધારવા માટે કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ જેવાં વ્યાપારી સંગઠનો જે તે સરકારોને વારંવાર અપીલ કરતા આવ્યા છે. એક વાત તો દીવા જેવી સ્પષ્ટ છેઃ Made in China માલની આયાત પર માતબર કટૌતી નહિ આવે ત્યાં સુધી Make in India નું અર્થપૂર્ણ અમલીકરણ થઈ શકવાનું નથી.
રહી વાત પ્રજા દ્વારા Made in China માલના બહિષ્કારની અસરકારકતા અંગેની, તો એ સંદર્ભે પેલો માર્ચ ૧૩, ૨૦૧૯માં બનેલો મસૂદ અઝહરવાળો પ્રસંગ યાદ કરો. ચીને એ આતંકવાદીને બગલમાં રાખ્યાનું જાણ્યા પછી ભારતની (ઉચિત રીતે) ક્રોધિત થયેલી જનતાએ ચીની માલનો બહિષ્કાર કરવાના મેસેજ સોશ્યલ મીડિઆમાં ફેલાતા કર્યા હતા. આ મેસેજ જેણે લખ્યો તે વ્યક્તિના કમ્પ્યૂટરનું સરકીટ બોર્ડ, રેમ, ગ્રાફિક કાર્ડ ચીનમાં બનેલું હતું. ટાઇપિંગ માટેનું કી-બોર્ડ પણ ચીનમાં ઉત્પાદિત હતું. ટાઇપિંગ વખતે જે મોનિટર પર તેણે નજર માંડી રાખી હશે તેની LCD પેનલ ચીને બનાવી હતી. લખનાર વ્યક્તિને જો દૃષ્ટિની ખામી હોય તો તેણે પહેરેલાં ચશ્માંની ફ્રેમ Made in China હોવાની શક્યતા ખરી! ઇન્ટરનેટ માટે તેણે વસાવેલું મોડેમ મોટે ભાગે તો ચીની જ હોય એટલું જ નહિ, પણ જે કંપનીએ ઇન્ટરનેટ સેવા પૂરી પાડી તેનાંય કમ્પ્યૂટર્સ તથા પ્રસારણનાં વીજાણું ઉપકરણો ચીની બનાવટનાં હોવાનો સંભવ પૂરેપૂરો! સોશ્યલ મીડિઆ પર ચીની માલના બહિષ્કારવાળો મેસેજ પ્રસારિત થયા પછી દેશભરના જે કરોડો લોકોએ તેને વાંચ્યો તેમનાં કમ્પ્યૂટર કે પછી મોબાઇલ ફોન પણ સંપૂર્ણ યા આંશિક રીતે ચીનમાં બનેલા હતા.
રહી વાત પ્રજા દ્વારા Made in China માલના બહિષ્કારની અસરકારકતા અંગેની, તો એ સંદર્ભે પેલો માર્ચ ૧૩, ૨૦૧૯માં બનેલો મસૂદ અઝહરવાળો પ્રસંગ યાદ કરો. ચીને એ આતંકવાદીને બગલમાં રાખ્યાનું જાણ્યા પછી ભારતની (ઉચિત રીતે) ક્રોધિત થયેલી જનતાએ ચીની માલનો બહિષ્કાર કરવાના મેસેજ સોશ્યલ મીડિઆમાં ફેલાતા કર્યા હતા. આ મેસેજ જેણે લખ્યો તે વ્યક્તિના કમ્પ્યૂટરનું સરકીટ બોર્ડ, રેમ, ગ્રાફિક કાર્ડ ચીનમાં બનેલું હતું. ટાઇપિંગ માટેનું કી-બોર્ડ પણ ચીનમાં ઉત્પાદિત હતું. ટાઇપિંગ વખતે જે મોનિટર પર તેણે નજર માંડી રાખી હશે તેની LCD પેનલ ચીને બનાવી હતી. લખનાર વ્યક્તિને જો દૃષ્ટિની ખામી હોય તો તેણે પહેરેલાં ચશ્માંની ફ્રેમ Made in China હોવાની શક્યતા ખરી! ઇન્ટરનેટ માટે તેણે વસાવેલું મોડેમ મોટે ભાગે તો ચીની જ હોય એટલું જ નહિ, પણ જે કંપનીએ ઇન્ટરનેટ સેવા પૂરી પાડી તેનાંય કમ્પ્યૂટર્સ તથા પ્રસારણનાં વીજાણું ઉપકરણો ચીની બનાવટનાં હોવાનો સંભવ પૂરેપૂરો! સોશ્યલ મીડિઆ પર ચીની માલના બહિષ્કારવાળો મેસેજ પ્રસારિત થયા પછી દેશભરના જે કરોડો લોકોએ તેને વાંચ્યો તેમનાં કમ્પ્યૂટર કે પછી મોબાઇલ ફોન પણ સંપૂર્ણ યા આંશિક રીતે ચીનમાં બનેલા હતા.
પત્યું? આમાં ચીની આઇટમ્સના બહિષ્કારનો સવાલ જ ક્યાં રહ્યો? વળી બહિષ્કાર કરવો તો પણ કઈ ચીજવસ્તુનો? મસોતાંથી માંડીને માઇક્રોચિપ સુધીની હજારો ચીજવસ્તુઓ માટે આપણે ચીન પર નિર્ભર છીએ. દેશના વિદ્યુત મથકોમાં વપરાતી કેટલીક હેવી મશીનરી તથા અમુક પૂરજાઓ પણ Made in China છે. ચીની બ્રાન્ડની તમામ ચીજવસ્તુઓ વિના રખે ચલાવી લઈએ, પણ વીજળી વિના કોને ચાલવાનું છે?
તાજાકલામઃ કોવિડ-૧૯ મહામારીના પગલે આવેલી મહામંદીને લઈ ચીની ઉત્પાદકોએ ટેલિવિઝન પેનલના ભાવમાં ૧પ ટકા જેટલો વધારો લાવી દીધો છે. હવે ભારતીયોએ તે વધારો ચૂકવીને ચાલબાજ ચીનનાં ગજવાં ભરવાનાં! આ છે આર્થિક હિતના સાટામાં દેશાભિમાનનો સોદો કરી દેવાની સજા! ■
---------------------------------------
Comments
Post a Comment